આનંદો, અમૂલે કાશી વિશ્વનાથ મંદિરમાં મહાપ્રસાદનું ઉત્પાદન શરૂ કર્યું,જાણો ખાસિયત
Kashi Vishwanath Temple: અમૂલ દ્વારા વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં મહાપ્રસાદનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. વારાણસીમાં નવ નિર્મિત બનાસ કાશી કોમ્પલેક્સમાં લાડુ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રસાદની ગુણવત્તા અને શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક એસઓપી પણ શરૂ કરવામાં આવી છે. અહીં બનનારા લાડુનું ભક્તોને વિતરણ કરવામાં આવશે.
લાડુમાં બિલિપિત્રનો પણ ઉપયોગ કરાશે
જીસીએમએમએફના એમડી જયેન મહેતાએ કહ્યું, પ્રથમ વખત કાશી વિશ્વનાથ મંદિરમાં ટ્રસ્ટે લાડુ માટે એક વિશેષ નુસખો અપનાવ્યો છે. જેનું પાલન અમે મહાપ્રસાદ બનાવવા માટે સાવધાનીપૂર્વક કરીએ છીએ. પરંપરાગત રીતે પ્રસાદ ઘંઉના લોટ અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. નવી રેસિપીમાં ચોખાનો લોટ અને બિલિપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન શિવને અર્પણ કરવામાં આવતાં બિલિપિત્ર, લાડુને અનોખું આધ્યાત્મિક મહત્વ આપે છે.
આપણ વાંચો: કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસકર્મીઓ ધોતી-કુર્તા પહેરેલા જોવા મળશે! નિર્ણયને કારણે વિવાદ
ખાસ પ્રકારનું પેકિંગ લાડુની લાઇફ શેલ્ફ વધારશે
આ ઉપરાંત તેમણે જણાવ્યું, પ્રસાદ નિર્માણ કેન્દ્ર પર સતત દેખરેખ રાખવામાં આવે છે. જેમાં 24 કલાક સીસીટીવી મોનિટરિંગ અને કર્મચારીઓની હિલચાલ પણ સામેલ છે.
સામગ્રીમાં ચોખાનો લોટ, ઘી, કાજુ, બદામ, લવિંગ, ઈલાયચી, ખાંડની ચાસણી અને બિલિપત્રના અર્કનો સમાવેશ થાય છે. જે FSSI ના ધારાધારણોનું પાલન કરે છે. ખાસ પ્રકારનું પેકિંગ લાડુની લાઇફ શેલ્ફ વધારશે.
આ વર્ષની શરૂઆતમાં પીએમ મોદીએ બનાસ કાશી સંકુલ દૂધ યુનિટનું ઉદ્ઘાટન કર્યુ હતું, જે બાદ અમૂલ અન્ય બનારસી વ્યંજન પણ બનાવી રહ્યું છે. જેમકે લાલ પેડા અને લૌંગલાટા, જેને અમૂલ બ્રાંડ દ્વારા સમગ્ર દેશમાં વેચવામાં આવે છે. આ ઉત્પાદનો મહાપ્રસાદની સાથે બનારસનો સ્વાદ દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડે છે.
મહાપ્રસાદ માટે 20 ટન પ્રતિ દિવસની ઉત્પાદન ક્ષમતા અને બનારસી મીઠાઈની શ્રુંખલા સાથે બનાસ ડેરી વારાણસી અને સમગ્ર ભારતમાં ભક્તોની માંગ પૂરી કરવા તૈયાર છે.