પંજાબ લઠ્ઠા કાંડ: ઝેરી દારુ પીવાથી 21ના મોત, મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરી…

અમૃતસર: નશાના દુષણને કારણે પંજાબમાં હજારો પરિવારો બરબાદ થઇ ચુક્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 2022 બાદ રચાયેલી આમ આદમી પાર્ટીની સરકારે નશા સામે લડાઈનું વચન આપ્યું હતું, એવામાં અમૃતસર જિલ્લામાં લઠ્ઠા કાંડ બનતા હોબાળો મચી (Hooch tragedy in Amritsar) ગયો છે. ઝેરી દારૂ પીવાને કારણે થયેલા મોતની સંખ્યા 21 સુધી પહોંચી છે, જે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં બનેલો આ ત્રીજો મોટો લઠ્ઠા કાંડ છે. અમૃતસરના મજીઠા સબડિવિઝનના ભંગાલી, પાતાલપુરી, મારારી કલાન અને થેરેવાલ ગામમાં લોકોના લોકોએ ઝેરી દારૂ પીવાથી જીવ ગુમાવ્યા છે. ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સરકારની કાર્યવાહી:
આ ઘટનાની તપાસ માટે પોલીસે તપાસ શરૂ કરી છે અને નવ આરોપીઓની ધરપકડ કરી છે અને આ કેસમાં સંડોવાયેલા ચાર અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવી છે, જેમાં એક્સાઇઝ અને ટેક્સેશન અધિકારી તેમજ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકનો સમાવેશ થાય છે. પોલીસે એ પણ ખુલાસો કર્યો કે દારૂ તૈયાર કરવા માટે મિથેનોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઓનલાઈન ખરીદવામાં આવ્યો હતો.
ભગવંત માને શું કહ્યું?
X પરની એક પોસ્ટમાં, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને કહ્યું, “મજીઠાની આસપાસના ગામડાઓમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોના મોતના દુઃખદ સમાચાર મળ્યા છે. નિર્દોષ લોકોના આ હત્યારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. આ મૃત્યુ નથી, પરંતુ હત્યાઓ છે. ઝેરી દારૂ પીને લોકોના ઘરોમાં શોકનું વાતાવરણ બનાવનારા આ ગુનેગારોને કાયદા અનુસાર કડક સજા કરવામાં આવશે. હું ભગવાનને મૃતકોના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું. સરકાર અસરગ્રસ્ત પરિવારોની સાથે ઉભી છે અને શક્ય તેટલી મદદ પૂરી પાડશે.”
વિપક્ષે સરકારને ઘેરી:
પંજાબ સરકાર છેલ્લા 70 દિવસથી ડ્રગ્સ વિરોધી અભિયાન – યુદ્ધ નશેયાન દે વિરોધી (ડ્રગ્સ સામે યુદ્ધ) ચલાવી રહી હતી. એવામાં લઠ્ઠા કાંડમાં 21એ જીવ ગુમાવતા વિપક્ષ આક્રમક બન્યું છે. વિપક્ષે આમ આદમી પાર્ટીની સરકાર પર ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને દારૂ માફિયાઓને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માન અને રાજ્યના આબકારી પ્રધાન હરપાલ સિંહ ચીમાના રાજીનામાની માંગ કરી છે.
કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ X પરની એક પોસ્ટમાં લખ્યું, “કહેવાતા યુદ્ધ ‘નશા વિરોધી’ હવે ક્યાં છે? પંજાબની આપ સરકાર દારૂ માફિયાઓને કાબૂમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. મુખ્ય પ્રધાન, જે ગૃહમંત્રી પણ છે, તેઓ પ્રચારમાં ખૂબ વ્યસ્ત છે, જ્યારે ગેરકાયદેસર વેપાર ફૂલીફાલી રહ્યો છે. આ ગુનાહિત બેદરકારી છે. આ સરકાર હજુ કેટલા જીવ લેશે?”
શિરોમણી અકાલી દળ (એસએડી) ના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આ ઘટનાને “માનવસર્જિત દુર્ઘટના” ગણાવી અને રાજ્ય સરકાર પર આરોપો લગાવ્યા હતાં. તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું,”ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ ફૂલીફાલી રહી છે, અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. ભગવંત માન તમારી ટાસ્ક ફોર્સ ક્યાં છે?”