અમૃતસર બ્લાસ્ટથી ખળભળાટ: એકનું મોત, પાકિસ્તાનથી વિસ્ફોટક આવ્યાની આશંકા!

અમૃતસર: આજે મંગળવારે સવારે પંજાબના અમૃતસરના મજીઠા રોડ બાયપાસ વિસ્તારમાં એક જોરદાર વિસ્ફોટ થતા ખળભળાટ મચી (Amrutsar Blast) ગયો હતો. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આ ઘટનામાં એક શંકાસ્પદ આતંકવાદી માર્યો ગયો છે. હાલ પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
આજે સવારે નવ વાગ્યાના અરસામાં જોરદાર વિસ્ફોટ સંભળાતા સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: BIG BREAKING: અમૃતસરના મજીઠા પોલીસ સ્ટેશનની અંદર બ્લાસ્ટથી ખળભળાટ
શરૂઆતના નિવેદનમાં પોલીસે ગેંગસ્ટર અથવા આતંકવાદીઓની સંડોવણીને નકારી કાઢી હતી, એવી શંકા વ્યક્ત કરી હતી કે આ માણસ ભંગારનો વેપારી હોઈ શકે છે અને ભંગારમાં આવી ગયેલા વિસ્ફોટકને કારણે વિસ્ફોટ થયો હશે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર વિસ્ફોટને કારણે મૃતકના હાથ ઉડી હતાં. ઘાયલ શખ્સને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
આતંકવાદમાં એન્ગલથી તપાસ:
પ્રારંભિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટનામાં માર્યો ગયેલો શખ્સ શંકાસ્પદ આતંકવાદી છે. અધિકારીઓ હવે આતંકવાદના દ્રષ્ટિકોણથી તપાસ કરી રહ્યા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું, “જે શખ્સ ઘાયલ થયો હતો તેનું મોત થયું છે. તે એક આતંકવાદી સંગઠનનો સભ્ય છે. પાકિસ્તાનથી વિસ્ફોટક આવ્યા હોઈ શકે છે, આ શખ્સ વિસ્ફોટક લેવા આવ્યો હતો… અમને ઘણા સંકેતો મળ્યા છે… વધુ તપાસ ચાલી રહી છે… બબ્બર ખાલસા અને ISI પંજાબમાં સક્રિય છે અને શંકા છે કે તે બબ્બર ખાલસાનો સભ્ય છે…”
પોલીસે જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ વિસ્ફોટકના સેમ્પલ એકત્રિત કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. ક્યા પ્રકારના વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વિસ્તારને વિસ્તારની ઘેરાબંધી કરી છે.