PM Modi in Ayodhya: વડા પ્રધાને અયોધ્યા ધામ રેલાવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું, અમૃત ભારત અને વંદે ભારતને ટ્રેનો લીલી ઝંડી બતાવી

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાતે છે. વડા પ્રધાને પુનઃવિકાસિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
વડા પ્રધાન મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાથી બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી.
નવી અમૃત ભારત ટ્રેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકોને મળ્યા હતા. આ સિવાય તેઓ સીતામઢીની મહિલાઓ અને રક્સૌલના ભક્તોને મળ્યા હતા, તેમની સાથે પણ વાતચીત કરી. અમૃત ભારત ટ્રેનનું ઉત્પાદન કરતી IFS ચેન્નાઈના એન્જિનિયરો સાથે પણ તેમણે વાત કરી હતી. કેટલાક વિદ્યાર્થીનીઓએ વડા પ્રધાન મોદીને કવિતા સંભળાવી. સીતામઢીની મહિલાઓએ મધુબની ચિત્રો રજૂ કર્યા.
PMO અનુસાર, 240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત, ત્રણ માળના આધુનિક રેલ્વે સ્ટેશન બિલ્ડિંગમાં લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજાની જરૂરિયાત માટેની દુકાનો, ક્લોક રૂમ, ચાઇલ્ડ કેર રૂમ, વેઇટિંગ રૂમજેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.