અમરાવતીનાં સાંસદ નવનીત રાણાને વ્હૉટ્સઍપ પર મળી જાનથી મારવાની ધમકી: ગુનો દાખલ
અમરાવતી: અમરાવતીનાં અપક્ષ સાંસદ નવનીત રાણાના વ્હૉટ્સઍપ નંબર પર ઑડિયો મેસેજ મોકલીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મેસેજ મોકલનાર વ્યક્તિએ નવનીત રાણા સામે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર નવનીત રાણાને તેમના વ્હૉટ્સઍપ નંબર પર 3 માર્ચે ધમકીભર્યો મેસેજ આવ્યો હતો, જેને પગલે તેમના પર્સનલ આસિસ્ટન્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે મંગળવારે ગુનો દાખલ કરાયો હતો.
ઑડિયો ક્લિપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આરએસએસના વડા મોહન ભાગવત સામે પણ વાંધાજનક શબ્દો ઉચ્ચારાયા છે.
પોલીસે આ પ્રકરણે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રીમાંથી રાજકારણી બનેલાં નવનીત રાણાએ 2019માં લોકસભાની ચૂંટણીમાં શિવસેનાના નેતા આનંદરાવ અડસુલને હરાવીને બેઠક જાળવી રાખી હતી.
નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાએ એપ્રિલ, 2022માં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની ઘોષણા કરતાં રાજકીય વિવાદ છંછેડાયો હતો. મુંબઈ પોલીસે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. નવનીત રાણા આગામી ચૂંટણીમાં ફરીથી અમરાવતી (એસસી)ની બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે, જ્યારે અડસુલ પણ લડવા માટે તૈયાર છે. (પીટીઆઇ)