‘વિપક્ષ દેશને તોડવા માંગે છે…’ વક્ફ બિલ મુદ્દે સંસદમાં અમિત શાહના પ્રહાર

દિલ્હી: કેન્દ્ર સરકારે આજે વક્ફ સુધારા બિલ 2025 લોકસભામાં (Waqf Amendment Bill) રજુ કર્યું, ત્યાર બાદ બીલના સમર્થનમાં અને વિરોધમાં દલીલો કરવામાં આવી. વિપક્ષ શસક પક્ષ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે વિપક્ષ ડર ફેલાવવાનું કામ કરી રહ્યું છે.
અમિત શાહે કહ્યું “હું મારા મંત્રી સાથી દ્વારા રજૂ કરાયેલા બિલનું સમર્થન કરું છું. હું બપોરે 12 વાગ્યાથી ચાલી રહેલી ચર્ચાને ધ્યાનથી સાંભળી રહ્યો છું…મને લાગે છે કે ઘણા સભ્યોમાં રાજકીય રીતે પ્રરાયેલી ઘણી ગેરસમજો છે. ઉપરાંત, આ ગૃહ દ્વારા, તે ગેરસમજોને દેશભરમાં ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”
આ પણ વાંચો: વક્ફ બિલ કેવી રીતે થશે પાસ? જાણો આંકડાકીય ગેમ
‘વિપક્ષ આ દેશને તોડવા માંગે છે’
વિપક્ષ પર પ્રહાર કરતા શાહે કહ્યું, “આ એક ફેશન બની ગઈ છે; જ્યારે રામ મંદિર બનાવવાનો મુદ્દો આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે લોહીની નદીઓ વહેશે. ટ્રિપલ તલાક અને CAA અંગે લોકોને ઉશ્કેરવામાં આવ્યા. જો કોઈ મુસ્લિમે પોતાની નાગરિકતા ગુમાવી હોય તો મને જણાવો?”
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “તમે (વિપક્ષ) આ દેશને તોડવ માંગે છે. આ ગૃહ દ્વારા, હું દેશના મુસ્લિમોને કહેવા માંગુ છું કે એક પણ બિન-મુસ્લિમ તમારા વકફમાં નહીં આવે. આ કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. પરંતુ વકફ બોર્ડ અને વકફ કાઉન્સિલ શું કરશે? વકફ મિલકતો વેચનારાઓને પકડીને બહાર કરી દેવામાં આવશે, વકફના નામે 100 વર્ષ માટે મિલકતો ભાડે આપનારાઓને પકડવામાં આવશે. વકફની આવક ઘટી રહી છે, જે આવકમાંથી આપણે લઘુમતીઓ માટે વિકાસ કરવાનો છે અને તેમને આગળ લઈ જવાનો છે, તે પૈસા ચોરાઈ રહ્યા છે. વકફ બોર્ડ અને કાઉન્સિલ એવા લોકોને પકડશે.”
‘લઘુમતીઓને ડરાવવામાં આવી રહી છે.”
અમિત શાહે વિપક્ષના આરોપો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું, “કોઈ પણ બિન-ઈસ્લામિક સભ્ય વકફનો ભાગ નહીં હોય. ધાર્મિક સંસ્થાના સંચાલન માટે બિન-મુસ્લિમની નિમણૂક માટે ન તો કોઈ જોગવાઈ છે, અને ન તો અમે આવી કોઈ જોગવાઈ રજૂ કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે આ કાયદો આપણા મુસ્લિમ ભાઈઓની ધાર્મિક પ્રથાઓ અને તેમની દાન કરેલી સંપત્તિમાં દખલ કરવા માટે છે. આવું લઘુમતીઓને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે.”
અમિત શાહે વધુમાં કહ્યું, “બિન-મુસ્લિમ સભ્યોને ક્યાં સમાવવામાં આવશે? કાઉન્સિલ અને વક્ફ બોર્ડમાં. તેઓ શું કરશે? તેઓ કોઈ ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરે. તેઓ ફક્ત વક્ફ કાયદા હેઠળ કોઈના દ્વારા દાનમાં આપવામાં આવેલી મિલકતના વહીવટનું ધ્યાન રાખશે, કે શું મિલકતનો ઉપયોગ તે હેતુ માટે થઈ રહ્યો છે કે જેના માટે તે દાન કરવામાં આવી હતી.”
આ પણ વાંચો: લાલુ યાદવ વક્ફ બિલના સમર્થનમાં? સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ, જાણો શું બોલ્યા
‘લાલુ પ્રસાદ યાદવની ઇચ્છાઓ પૂરી થશે”
અમિત શાહે કહ્યું, “લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે તેઓ વક્ફ વિરુધ કડક કાયદો ઇચ્છે છે અને ચોરી કરનારાઓને જેલમાં નાખવા માંગે છે. નરેન્દ્ર મોદીએ લાલુ પ્રસાદ યાદવની ઇચ્છાઓ પૂર્ણ કરી છે.”
રજીસ્ટ્રેશન જરૂરી
અમિત શાહે વક્ફ બિલ પર કહ્યું કે પારદર્શિતા લાવવા માટે માહિતીની પ્રક્રિયા લાવવામાં આવી છે. વકફ મિલકત જાહેર કરવાના અધિકારો નાબૂદ કરવામાં આવ્યા છે. તેને કલેક્ટર પાસેથી પ્રમાણિત કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન વગર કોઈપણ સંસ્થા કાર્ય કરી શકે નહીં.
તેમણે કહ્યું કે ઘણા મુસ્લિમ સમુદાયો છે જે વકફ કાયદા હેઠળ આવવા માંગતા નથી. હવે મુસ્લિમ પોતાના ટ્રસ્ટને મુસ્લિમ ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર કરાવી શકે છે. આ માટે તે ફક્ત વકફ કાયદા હેઠળ જ રજીસ્ટ્રેશન કરાવેએ જરૂરી નથી. કાયદામાં ઘણી નવી જોગવાઈઓ કરવામાં આવી છે.