Ram Temple Consecration માં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી હતી ત્યારે અમિત શાહ ક્યાં હતા?

રામલલ્લાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાનું સદ્ભાગ્ય દરેકને પ્રાપ્ત થયું નથી. જો કે અનેક નેતાઓએ પોતાની રીતે જ અલગ અલગ કાર્યક્રમો યોજીને સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પ્રાણ પ્રતિષ્ઠા સમયે દિલ્હીમાં હતા અને શ્રી લક્ષ્મી નારાયણ મંદિર કે જેને બિરલા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં તેમણે મીનાક્ષી લેખી સાથે કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું.
તેમની જેમ જ અન્ય નેતાઓએ પણ અલગ અલગ સ્થળોએ જ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિહાળ્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદના શીલજ ખાતે સ્ક્રીન પર કાર્યક્રમ નિહાળ્યો. તેમની સાથે શીલજના સ્થાનિકો પણ જોડાયા હતા.
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે તેમના ભુવનેશ્વર સ્થિત નિવાસ સ્થાનેથી રામમંદિરનો કાર્યક્રમ નિહાળ્યો હતો. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ પણ દહેરાદૂનમાં દીવડા પ્રગટાવ્યા હતા. છત્તીસગઢના મુખ્યપ્રધાન વિષ્ણુદેવ સાયે પણ રામમંદિરના ભવ્ય કાર્યક્રમને નિહાળતા નજરે પડ્યા હતા.