બંધારણ બદલવાના આરોપો પર અમિત શાહે આપ્યો જવાબ, ‘ન તો સેક્યુલર શબ્દ હટાવીશું, ન હટાવા દઈશું’

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ભાજપે 370 સીટો અને એનડીએ 400 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન PM નરેન્દ્ર મોદીથી લઈને ભાજપના તમામ નેતાઓ 370 અને 400ને પાર કરવાના નારા લગાવી રહ્યા છે. ભાજપના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે ભાજપને 400થી વધુ બેઠકોની જરૂર છે જેથી તે બંધારણમાં સુધારો કરી શકે. જો કે હવે ગૃહમંત્રી અમિત શાહ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “અમારી પાસે 10 વર્ષથી બહુમતી છે. 2014માં ભાજપ પાસે 272 બેઠકો હતી. હાલમાં તેની પાસે 300થી વધુ બેઠકો છે. બંને વખત અમારી પાસે NDAમાં રહેલા સાથી પક્ષોની મદદથી બંધારણ બદલવાની સત્તા હતી, જો કે અમે અમારી બહુમતીનો ઉપયોગ કલમ 370ને હટાવવા માટે, CAA લાવવામાં અને ટ્રિપલ તલાકને ખતમ કરવામાં કર્યો હતો”
બંધારણમાંથી ‘સેક્યુલર’ શબ્દ હટાવવાના દાવા અંગેના એક પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું કે, “અમારે સેક્યુલર શબ્દ હટાવવાની કોઈ જરૂર નથી. આ દેશને સેક્યુલર બનાવવાનો સૌથી વધુ આગ્રહ ભાજપનો છે, તેથી જ અમે UCC લાવી રહ્યા છીએ.” તેમણે કહ્યું, “તેઓ (કોંગ્રેસ) શરિયાના નામે દેશ ચલાવવા માંગે છે અને તેમને ધર્મનિરપેક્ષ બનવાની જરૂર છે, અમારે નથી. અમે તો કહી જ રહ્યા છીએ કે આ દેશનું બંધારણ ધર્મ પર આધારિત હોવું જોઈએ.”
પોતાની પાર્ટી બીજેપીના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત અમિત શાહે કહ્યું, “જે રીતે કોંગ્રેસ કહે છે કે અમે (ભાજપ) અનામત હટાવીશું. અમે આ માટે (બહુમતીનો ઉપયોગ કર્યો નથી). ભાજપે વચન આપ્યું છે કે અમે અનામત હટાવીશું નહીં અને જો કોંગ્રેસ તેને હટાવવા માંગતી હોય તો અમે તેને હટાવવા પણ નહીં દઈએ.