નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અમિત શાહે આપ્યો કેજરીવાલને જવાબ, ‘PM મોદી જ દેશનું નેતૃત્વ કરશે તેમાં કોઈ કન્ફ્યૂઝન નથી’

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ યોજાવાનું છે, ત્રીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ભાજપના પ્રચાર માટે તેલંગાણા પહોંચ્યા છે, આ દરમિયાન તેમણે એક પ્રેસ કોન્ફ્રન્સ સંબોધી હતી, જેમાં તેમણે કેજરીવાલના નિવેદનને ફગાવતા કહ્યું કે પીએમ મોદી જ આ ટર્મ પૂરી કરશે અને તે જ દેશનું નેતૃત્વ કરશે. તેમણે તેલંગાણામાં ભાજપ 10થી વધુ સીટો જીતશે તેવો દાવો પણ કર્યો હતો.

અરવિંદ કેજરીવાલના નિવેદન અંગેના સવાલ પર અમિત શાહે કહ્યું, ‘જુઓ, હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને સમગ્ર INDI ગઠબંધનને કહેવા માંગુ છું કે મોદીજી 75 વર્ષના થઈ જશે તેનાથી આનંદિત થઈ જવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં આ ક્યાંય લખેલું નથી. માત્ર મોદીજી જ આ કાર્યકાળ પૂર્ણ કરશે અને માત્ર મોદીજી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે. આમાં ભાજપમાં કોઈ કન્ફ્યૂઝન નથી.

ઉલ્લેખનિય છે કે કેજરીવાલે આજે શનિવારે AAP ઓફિસમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. 2014માં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષનો હશે તે નિવૃત્ત થશે, પહેલા લાલકૃષ્ણ અડવાણી નિવૃત્ત થયા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહાને નિવૃત્ત કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું, ‘હવે મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે રિટાયર થવા જઈ રહ્યા છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે? તેમણે કહ્યું, ‘જો તેમની સરકાર બનશે, તો પહેલા તેઓ આગામી બે મહિનામાં યોગીજીને નિપટાવી દેશે, ત્યારબાદ તેઓ મોદીજીના સૌથી વિશ્વાસુ વ્યક્તિ અમિત શાહ જીને વડાપ્રધાન બનાવશે.’ કેજરીવાલે કહ્યું કે મોદીજી પોતાના માટે નહીં પરંતુ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. કેજરીવાલના આ નિવેદન બાદ ભાજપ બચાવ પક્ષમાં આવી ગઈ છે, ભાજપના નેતા અમિત શાહે પણ આ મુદ્દે ખુલાસો કરવો પડ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button