‘પીઓકે’ કોંગ્રેસે ગુમાવ્યું અને ભાજપ પાછું લાવશેઃ રાજ્યસભામાં ચર્ચા વખતે અમિત શાહ આક્રમક

નવી દિલ્હીઃ સંસદમાં અત્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે ઓપરેશન સિંદૂર પર વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા હતાં. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ પીએમ મોદી પાસેથી જવાબ માંગી રહ્યા હતા. આ માંગ સાથે વિપક્ષે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. અમિત શાહે કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કરતા કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) કોંગ્રેસે ગુમાવ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પાછું લાવવાનું કામ કરશે. આ દેશમાં આતંકવાદના ફેલાવાનું કારણ કોંગ્રેસનું તુષ્ટિકરણ અને વોટબેંકનું રાજકારણ રહ્યું છે.
પીએમ મોદી રાજ્યસભામાં આવેઃ કોંગ્રેસ
પોતાના ભાષણ દરમિયાન અમિત શાહે વિપક્ષને કહ્યું કે, ‘મારી સાથે વ્યવહાર કરી શકો છો તો પછી તમે પ્રધાનમંત્રીને કેમ બોલાવી રહ્યા છો. વધુ મુશ્કેલી થશે. સાહેબ, શું તમે આ સમજી શકતા નથી?’ અમિત શાહના આ જવાબ બાદ વિપક્ષે વધારે હોબાળો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સંસદમાં 16 કલાક ઓપરેશન સિંદૂર પર ચર્ચા રાખવામાં આવી હતી. આ દરમિયાન અમે અનેક સવાલો કર્યાં, પરંતુ તેના જવાબો મળ્યા નહોતા. રાજ્યસભામાં પીએમ મોદીએ પોતાનો પક્ષ રાખવો જોઈએ. પીએમ મોદી રાજ્યસભામાં નહીં આવીને સંસદનું અપમાન કરે છે.
આ પણ વાંચો: પહલગામના હુમલાખોરોને ઓપરેશન મહાદેવ હેઠળ માર્યાં: અમિત શાહનો સંસદમાં જવાબ…
વિપક્ષની માંગ અને સ્ટેન્ડ બંને ખોટા છે
અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું કે, ‘ઓપરેશન મહાદેવમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલી માંગ અને સ્ટેન્ડ બંને ખોટા છે. કારણ કે, બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તમે ગમે તેટલી ચર્ચા કરી શકો છો. પરંતુ કોણ જવાબ આપશે? આ સરકાર નક્કી કરશે. વડા પ્રધાન નક્કી કરશે.’ આ સાથે ઓપરેશન મહાદેવ પર કહ્યું કે, આતંકવાદીઓ નિર્દોષ લોકોની જેવી રીતે હત્યા કરી હતી તેવી જ રીતે ભારતીય સેનાએ તેમનું એન્કાઉન્ટર કર્યું છે. ઓપરેશન મહાદેવ નામ પર વિપક્ષે સવાલ કર્યો ત્યારે અમિત શાહે કહ્યું કે, હર-હર મહાદેવ માત્ર ધર્મનો નારો નથી પરંતુ આપણી સેનાનું શોર્ય છે.
કાશ્મીર આતંકવાદથી મુક્ત થઈને રહેશે
જમ્મુ અને કાશ્મીર મામલે પણ અમિત શાહે વિપક્ષને જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઓપરેશનને પૂર્ણ કર્યું છે. તેમના સાહસ અને શોર્યનું સન્માન કરવું જોઈએ. અમિત શાહે કહ્યું કે કાશ્મીર આતંકવાદથી મુક્ત થઈને રહેશે. તેના માટે સરકારે દ્રઢ નિશ્ચય કર્યો છે. આ નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. ઓપરેશન સિંદૂરથી અમે આતંકવાદીઓના આકાઓનો નાશ કર્યો, જ્યારે ઓપરેશન મહાદેવ દ્વારા પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ઑપરેશન સિંદૂરની વાત કરતા અમિત શાહને અચાનક ડૉ. મનમોહન સિંહ કેમ યાદ આવ્યા
સરકારે ભારતીય સેનાને છુટ્ટો દોર આપ્યો
ભારતીય સેનાને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં ખુલ્લી છૂટ આપવામાં આવી હતી. આપણી સેનાએ 7મી મેએ પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાં ઘ્વસ્ત કર્યાં હતાં. પાકિસ્તાને 8મી મેના રોજ ભારતના રહેણાંક વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોનથી ભારત પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જેથી ભારતીય સેનાએ 9મી મેના રોજ પાકિસ્તાનના 8 એરબેઝ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનો નાશ કર્યો હતો. વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, પીઓકે તમે પાકિસ્તાનને આપ્યું હતું પરંતુ તેને પાછું લાવવાનું કામ બીજેપી કરશે.
ભારતે કોઈના પણ કહેવાથી યુદ્ધ નહોતું રોક્યું
રાજ્યસભામાં પોતાના ભાષણમાં અમિત શાહે પાકિસ્તાન પર પણ આકરા પ્રહારો કર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ ભારતે કોઈના પણ કહેવાથી યુદ્ધ નહોતું રોક્યું. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાનું અમિત શાહે રાજ્યસભામાં ખંડન કર્યું હતું. અમિત શાહે કહ્યું કે, ભારતનું લક્ષ્ય યુદ્ધ કરવાનું નહોતું. ભારતનું ધ્યેય પાકિસ્તાનના નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનું નહોતું. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનના હ્રદય પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: એસ. જયશંકરના જવાબ પર વિપક્ષનો હોબાળોઃ અમિત શાહે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું તમને બીજા દેશ પર ભરોસો…
જ્યારે કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાસે એવો શું પુરાવો છે કે, આ આતંકી પાકિસ્તાનથી આવ્યાં હતા? કોંગ્રેસના શાસનકાળ અંગે પણ અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની માનસિકતા કેવી છે તે જનતા જોઈ રહી છે. કોંગ્રેસની પ્રાથમિકતા દેશની સુરક્ષા નહીં પરંતુ રાજનીતિ રહી છે. આ દરમિયાન કોંગ્રેસ સદન છોડી દીધું હતું.