ઓડિશા ભગવામય બનશે, વિધાનસભાની 75 અને લોકસભાની 15 બેઠકો પર વિજય: અમિત શાહ

રૌરકેલા (ઓડિશા): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે ઓડિશા ચૂંટણી બાદ ભગવામય બની જશે. ભાજપ ઓડિશામાં વિધાનસભાની 75 અને લોકસભાની 15 બેઠકો પર વિજય મેળવશે.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ ઓડિશામાં એકસાથે થઈ રહી છે.
15થી વધુ સંસદસભ્યો અને 75થી વધુ વિધાનસભ્યો સાથે ઓડિશા ભગવા રંગે રંગાઈ જશે. આ ચૂંટણીઓ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવા માટે છે, એમ અમિત શાહે ઓડિશાના રૌરકેલામાં ચૂંટણી રેલીને સંબોધતાં કહ્યું હતું.
ઓડિશામાં લોકસભાની 21 અને વિધાનસભાની કુલ 147 બેઠકો છે.
ઓડિશાના પુરીમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરના રત્ન ભંડારની ચાલીઓ ખોવાઈ જવાના મુદ્દાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન અને બીજેડીના પ્રમુખ નવીન પટનાયક લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમની લાગણીઓ સાથે રમત કરી રહ્યા છે.
રત્ન ભંડારની ચાવીઓ ગુમ થર્ઈે જવાનો વિષય અત્યારે ઓડિશાના રાજકારણમાં મોટો મુદ્દો બન્યો છે.
શાહે કહ્યું હતું કે આ ચૂંટણી ઓડિશાના ગૌરવ, ભાષા, સંસ્કૃતિ અને પરંપરાને પુન:સ્થાપિત કરવા માટે છે. તેમમે એવો પણ દાવો કર્યો હતો કે ઓડિશાની સરકાર ફક્ત અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. (પીટીઆઈ)