આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ માટે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવો: અમિત શાહ
પોરબંદર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે લોકોને એવી અપીલ કરી હતી કે આતંકવાદ, નક્સલવાદ અને ગરીબીથી મુક્તિ મેળવવા માટે અને દેશને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માટે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવો. છેલ્લા 10 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વોટ બૅન્કની રાજનીતિની પરવા કર્યા વગર કેટલાક આકરા નિર્ણયો લીધા છે. આને માટે તેમણે કલમ 370ની નાબુદી અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો દાખલો આપ્યો હતો.
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના પ્રચાર માટે આયોજિત જાહેર રેલીને સંબોધતાં પોરબંદરમાં અમિત શાહે કહ્યું હતું કે બે તબક્કાના મતદાન બાદ અત્યારે એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે દેશના લોકોએ મોદીને ફરી એક વખત સત્તા પર બેસાડવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને તેમાંથી સુરતનો ઉમેદવાર તો બિનવિરોધ ચૂંટાઈ આવ્યો છે. હું તમને બધાને એવી અપીલ કરું છું કે બાકીની 25 બેઠકો પર ભાજપના કમળ પર મતદાન કરો અને મોદીને ત્રીજી વખત દેશના વડા પ્રધાન બનાવો.
મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવાનો અર્થ છે કે દેશને આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ અપાવવી. ગરીબીથી મુક્તિ અપાવવી, યુવાનોને માટે એવું પ્લેટફોર્મ તૈયાર કરવું જેથી તેઓ દુનિયા સાથે હાથમાં હાથ મિલાવીને આગળ વધી શકે અને ભારતને મહાન દેશ બનાવી શકે, એમ ભાજપના સિનિયર નેતાએ કહ્યું હતું.
મોદીએ દુનિયાના નકશા પર ગુજરાતનું નામ ચમકાવ્યું છે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ માટે જાણીતા ગુજરાતને આજે નવી ઓળખ મળી છે. જ્યારે કલમ 370 રદ કરવામાં આવી ત્યારે રાહુલ ગાંધીએ એનો વિરોધ કરતાં કહ્યું હતું કે લોહીની નદીઓ વહેશે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં લોહીની નદીઓ તો જવા દો, કોઈની પથ્થર ફેંકવાની હિંમત થઈ નથી. મોદીએ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરવા માટે કામ કર્યું છે.
યુપીએ સરકારના કાર્યકાળમાં ગુજરાતને હળાહળ અન્યાય કરવામાં આવ્યો હતો. 10 વર્ષના યુપીએના કાર્યકાળમાં ગુજરાતને ફક્ત રૂ. 1.22 લાખ કરોડનું ભંડોળ આપવામાં આવ્યું હતું, જ્યારે મોદીના કાર્યકાળમાં ગુજરાતને રૂ. 5.55 લાખ કરોડનું ભંડોળ આપવામાં આવ્યું છે. (પીટીઆઈ)