
નવી દિલ્હી: લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થઇ હતી, જેની શરૂઆત સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કરી હતી. બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. આ ચર્ચા દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકરે લોકસભામાં કહ્યું હતું કે પહલગામ હુમલા બાદ પાકિસ્તાનને સ્પષ્ટ જવાબ આપવો જરૂરી હતો. જો કે તેમનાં ભાષણ દરમિયાન વિપક્ષના હોબાળા મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહ ભડકી ગયા હતાં.
લોકસભામાં ચર્ચા દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગૃહમાં નવ મેના સવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સના ફોન કોલ અંગે માહિતી આપી હતી. તેમણે ગૃહને જણાવ્યું કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે પાકિસ્તાન મોટો હુમલો કરી શકે છે. તેના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ભારત પણ જડબાતોડ જવાબ આપશે.
તેમને બીજા દેશ પર વિશ્વાસ
વિદેશ પ્રધાને વધુમાં જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 22 એપ્રિલથી 17 જૂન સુધી કોઈ ફોન કોલ થયો નહોતો. આ મુદ્દે વિપક્ષના હોબાળા પર ગૃહ પ્રધાન અમિત શાહ ઊભા થયા અને આકરા પ્રહાર કરતા કહ્યું કે ભારતના વિદેશ પ્રધાન અહીં બોલી રહ્યા છે, તેમને વિદેશ પ્રધાન પર ભરોસો નથી. કોઈ બીજા દેશ પર ભરોસો છે એટલે જ તેઓ ત્યાં બેઠા છે, અને આગામી 20 વર્ષ સુધી ત્યાં જ બેસવાના છે.
ફરી ભડક્યા અમિત શાહ
વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંસદમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે જે લોકોએ કશું જ કર્યું નથી, તેઓ બહાવલપુર અને મુરીદકેમાં આતંકી સ્થળોને ધ્વસ્ત કરનાર સરકાર પર સવાલ ઉઠાવવાની હિંમત કરી રહ્યા છે.” આ દરમિયાન વિરોધ પક્ષના સભ્યની ટિપ્પણી પર અમિત શાહ ફરીથી ઊભા થયા અને ભડકતા કહ્યું કે, “આટલી ગંભીર વાત પર જ્યારે ચર્ચા થઈ રહી છે, ત્યારે સરકારના મુખ્ય વિભાગના પ્રધાનને બોલતા વચ્ચે ટોકવું, માન્યવર, તમને શોભતું નથી.
આ પણ વાંચો…લોકસભામાં હોબાળા બાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું વિપક્ષ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યું છે