
શ્રીનગર: પહેલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ દ્વારા ભારતીય સેનાના જવાનોએ આતંકવાદના આકાઓને બરાબરનો પાઠ ભણાવ્યો છે. ત્યારે આજે પહેલગામ હુમલાના આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરનાર ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના સૈનિકોનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નામ લીધા વગર પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા.
સુરક્ષાદળોના જવાનોને અભિનંદન
ભારતીય સેનાના જવાનોને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે જણાવ્યું હતું કે, “કાશ્મીરમાં જ્યારે પર્યટન ચરમસીમાએ હતું, ત્યારે પહેલગામ હુમલા દ્વારા ‘કાશ્મીર મિશન’ને પાટા પરથી ઉતારવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકો ઓપરેશન સિંદૂરથી સંતુષ્ટ હતા, પરંતુ ઓપરેશન મહાદેવે તે સંતોષને વિશ્વાસમાં ફેરવી દીધો છે. આ બંને ઓપરેશનોએ આતંકવાદના આકાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય નાગરિકોના જીવન સાથે રમી શકાતું નથી.”
ભારતીય સેનાના જવાનોની સરાહના કરતાં ગૃહ પ્રધાને જણાવ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર દેશવાસીઓ વતી, હું સુરક્ષા દળોને દેશવાસીઓમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવા બદલ અભિનંદન પાઠવું છું.”
પહેલગામ હુમલાના આતંકવાદીઓ માર્યા ગયા
ગૃહ પ્રધાને NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની પણ પ્રશંસા કરી અને કહ્યું હતું કે “NIAની FSLએ ટેકનિકલ રીતે સાબિત કરી દીધું છે કે ઓપરેશન મહાદેવમાં જે આતંકવાદીઓ માર્યા ગયા, તેમણે જ પહેલગામમાં ક્રૂરતા ફેલાવી હતી. સુરક્ષા દળોએ દુનિયાને એ પણ બતાવી દીધું છે કે આતંકવાદીઓ ગમે તેટલી પદ્ધતિઓ કે વ્યૂહરચના બદલે, તેઓ ભારતને નુકસાન પહોંચાડ્યા પછી છટકી શકતા નથી.” તેમણે ભારપૂર્વક કહ્યું કે “સેના અને અર્ધલશ્કરી દળોની સાથે, જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ આતંકવાદ સામેની લડાઈમાં મોખરે છે.”
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલાના જવાબમાં સશસ્ત્ર દળોએ મે મહિનામાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ અને લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જુલાઈમાં, સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ દ્વારા પહેલગામ હત્યાકાંડમાં સામેલ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.