Amarnath Yatra પૂર્વે અમિત શાહની જમ્મુ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં ચાર દિવસમાં ચાર આતંકી હુમલા થયા છે. આતંકીઓએ રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ હુમલો કર્યો હતો. જેમાં નવ તીર્થયાત્રીઓ અને એક CRPF જવાનનું મોત થયું હતું. ખીણમાં આતંકી પ્રવુતિ નાબૂદ કરવા ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ગૃહમંત્રી 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની (Amarnath Yatra)તૈયારીઓની પણ સમીક્ષા કરશે.
આતંકવાદ વિરોધી અભિયાનને વધુ તીવ્ર બનાવશે
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, RAW ચીફ અને આર્મી ચીફ મનોજ પાંડે પણ હાજરી આપશે. અમિત શાહ રવિવારે ઘાટીમાં સુરક્ષાની સ્થિતિની પણ સમીક્ષા કરશે. સૂત્રોએ જણાવ્યું કે, ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનને વધુ તીવ્ર બનાવવા અંગે નિર્દેશ આપી શકે છે.
જમ્મુ-કાશ્મીરની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ
પીએમ મોદીના શપથ ગ્રહણના દિવસે આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા. એટલું જ નહીં છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ ચાર આતંકી હુમલા થયા છે. આવી સ્થિતિમાં ગૃહમંત્રીની આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૂત્રોએ જણાવ્યું છે કે આજે અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર સુરક્ષા દળોની તૈનાતી, ઘૂસણખોરી વિરોધી કવાયત, આતંકવાદ વિરોધી કામગીરીની સ્થિતિ અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય આતંકવાદીઓ વિશે માહિતી લેશે.
આતંકવાદી પ્રવુતિ નાબૂદ કરવા ઉચ્ચ સ્તરીય બેઠક
અમિત શાહ દ્વારા બોલાવવામાં આવી રહેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, આગામી આર્મી ચીફ તરીકે નામાંકિત લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર ડૉ. તપન ડેકા, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહ, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વેન અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ હાજરી આપે તેવી શક્યતા છે.
અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા
સૂત્રોએ જણાવ્યું કે ગયા વર્ષે 4.28 લાખથી વધુ લોકોએ અમરનાથ ગુફા મંદિરની મુલાકાત લીધી હતી અને આ વખતે આ આંકડો પાંચ લાખ સુધી પહોંચી શકે છે. તમામ તીર્થયાત્રીઓને RFID કાર્ડ આપવામાં આવે તેવી શક્યતા છે જેથી તેમનું વાસ્તવિક સ્થાન જાણી શકાય અને તમામને પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે. યાત્રાળુઓને લઈ જતા પ્રત્યેક જાનવર માટે રૂ. 50,000નું વીમા કવચ પણ હશે.