કોંગ્રેસીઓના ભાજપમાં જોડાવા પર અમિત શાહે આપી આવી પ્રતિક્રિયા…..
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને વિપક્ષ પરિવારલક્ષી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે વંશવાદને પ્રોત્સાહન આપ્યું છે અને INDIA એલાયન્સ એટલે 7 વંશવાદી પક્ષો. જ્યારે તેમની પાર્ટીઓમાં લોકશાહી નથી તો દેશમાં લોકશાહી કેવી રીતે હશે.
INDIA ગઠબંધન પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે તેમાં સામેલ તમામ પક્ષો કૌભાંડોમાં ડૂબેલા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પણ અનેક કૌભાંડો કર્યા છે. પાંડવો અને કૌરવોની જેમ લોકસભાની ચૂંટણી પહેલા બે છાવણીઓ બની ગઈ છે. મોદીના નેતૃત્વમાં એક છાવણી એનડીએ ગઠબંધન છે, રાષ્ટ્ર પ્રથમ અમારા ગઠબંધનનો આધાર છે. જ્યારે INDIA ગઠબંધન વંશવાદને પોષે છે. આગામી ચૂંટણી ડેવલપમેન્ટ એલાયન્સ અને ડાયનેસ્ટિક એલાયન્સ વચ્ચે થશે, એમ ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. સોનિયા ગાંધીનો ઉદ્દેશ્ય રાહુલ ગાંધીને પીએમ બનાવવાનો છે, શરદ પવારનો ઉદ્દેશ્ય તેમની પુત્રીને સીએમ બનાવવાનો છે, ઉદ્ધવ ઠાકરેનો ઉદ્દેશ્ય તેમના પુત્રને સીએમ બનાવવાનો છે, લાલુ યાદવનો ઉદ્દેશ્ય તેમના પુત્રને સીએમ બનાવવાનો છે અને મુલાયમને સિંહ યાદવનો ઉદ્દેશ્ય તેમના પુત્રને સીએમ બનાવવાનો છે. તેમણે કહ્યું કે જો ભાજપ પરિવાર લક્ષી પાર્ટી હોત તો ચા વેચનારનો પુત્ર ક્યારેય પીએમ ન બન્યો હોત. લોકશાહીમાં દરેકને સમાન તકો મળે તે જરૂરી છે.
તેમણે કહ્યું કે, જો પુત્રોનું કલ્યાણ કરવાનો હેતુ હોય તો દેશનું કલ્યાણ કેવી રીતે થશે? દેશના યુવાનોને વિરોધ પક્ષોમાં આગળ વધવા દેવામાં આવતા નથી.
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાનની ભારતીય અર્થવ્યવસ્થા પર એક શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં યુપીએ સરકારના છેલ્લા 10 વર્ષના નાણાકીય ગેરરીતિઓની વિગતો આપવામાં આવી હતી અને અયોધ્યામાં રામ મંદિરના સફળ ઉદ્ઘાટન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અમિત શાહે કહ્યું હતું કે, “આ દેશમાં 2G, 3G અને 4G પાર્ટીઓ છે. 2G નો અર્થ કૌભાંડ નહીં. 2G એટલે 2 જનરેશનની પાર્ટી… ચાર પેઢી સુધી તેમનો નેતા બદલાતો નથી. જો કોઈ આગળ વધવાનીકોશિશ કરે તો તેને સાઇડલાઇન કરી દેવાય છે. આવા અનેક સાઇડલાઇન કરી દેવાયેલા લોકો આજે ભાજપમાં અને લોકશાહીની યાત્રામાં જોડાઈ રહ્યા છે.”
ભાજપના પૂર્વ અધ્યક્ષે એમ પણ જણાવ્યું હતું કે, 75 વર્ષમાં આ દેશે 17 લોકસભા ચૂંટણી, 22 સરકારો અને 15 વડાપ્રધાન જોયા છે. દેશની દરેક સરકારે પોતપોતાના સમયે સમયસર વિકાસ લાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આજે હું કોઈપણ મૂંઝવણ વિના કહી શકું છું કે સર્વાંગી વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ અને દરેક વ્યક્તિના વિકાસનું કામ નરેન્દ્ર મોદીના 10 વર્ષમાં જ થયું છે. દેશને સુરક્ષિત કર્યા પછી, ભારત વિશ્વ મિત્ર તરીકે સ્થાપિત થયું છે. 10 વર્ષમાં ભાજપે ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને ભત્રીજાવાદનો અંત લાવ્યો છે અને વિકાસની રાજનીતિ સાથે આગળ વધ્યો છે.
મોદી સરકારમાં સુરક્ષા અને વિદેશ નીતિ મજબૂત બની છેઃ અમિત શાહ મોદી સરકારમાં સુરક્ષા નીતિ અને વિદેશ નીતિ બંને મજબૂત બન્યા છે. આ ખેડૂતો અને ગરીબ મજૂરોની સરકાર છે. દેશની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે. પીએમ મોદીના નેતૃત્વમાં ખેડૂતોનું કલ્યાણ થઈ રહ્યું છે. કોંગ્રેસ અને INDIA ગઠબંધન દલિતો, આદિવાસીઓ અને પછાત સમુદાયોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, પરંતુ તેમને સન્માન અને ભાગીદારી આપવાનું કામ પહેલીવાર ભાજપની મોદી સરકારે કર્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રથમ વખત સમગ્ર વિશ્વએ દેશનું ગૌરવ અનુભવ્યું છે. જ્યારે ભારતીય લોકો દુનિયામાં ક્યાંય જાય છે ત્યારે ત્યાંના લોકો કહે છે કે તમે મોદીના ભારતમાંથી આવ્યા છો. વિશ્વમાં આ ઓળખ ઊભી કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. નરેન્દ્ર મોદીજીમાં માત્ર એક મહાન ભારત બનાવવાની હિંમત જ નહીં, પરંતુ તે સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે સામૂહિક પ્રયાસો કરવાની ઇચ્છા પણ છે અને તેમણે સમગ્ર રાષ્ટ્ર સમક્ષ લક્ષ્ય રાખ્યું છે કે ભારત 2047માં સંપૂર્ણ વિકસિત અને આત્મનિર્ભર ભારત બનશે.