નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાની સંખ્યામાં અડધોઅડધ થયો ઘટાડોઃ અમિત શાહ…

નવી દિલ્હી: દેશમાં નક્સલવાદ સામે સરકાર મિશન મોડમાં કામગીરી કરી રહી છે અને તેને અનુસંધાને જ રાજ્યસભામાં સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દેશને 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત કરવામાં આવશે. જો કે સરકારની નક્સલ વિરોધી કામગીરીથી નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થઈ હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે.
નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે જણાવ્યું હતું કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને 6 થઈ ગઈ છે. અમિત શાહે કહ્યું કે નક્સલવાદ મુક્ત ભારત બનાવવા તરફ મોટું પગલું ભરતા ભારતે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને 6 કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે.
અમિત શાહે કરી પોસ્ટ

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નક્સલવાદ પ્રત્યે કડક અભિગમ અપનાવીને 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની કુલ સંખ્યા 38 હતી, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 12 હતી, જે ઘટીને 6 થઈ ગઈ છે, ચિંતાજનક જિલ્લાઓની સંખ્યા 9 હતી, જે ઘટીને 6 થઈ ગઈ છે અને અન્ય નક્સલવાદી-અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 17 હતી, તે પણ ઘટીને 6 થઈ ગઈ છે.
નક્સલવાદથી મુક્ત થયેલા 6 જિલ્લાઓ
નક્સલવાદ પ્રભાવથી મુક્ત થયેલા 6 જિલ્લાઓમાં છત્તીસગઢના 4 જિલ્લાઓ બીજાપુર, કાંકેર, નારાયણપુર અને સુકમા, ઝારખંડનાં પશ્ચિમ સિંહભૂમ અને મહારાષ્ટ્રનાં ગઢચિરોલી જિલ્લાનો સમાવેશ થાય છે. તેવી જ રીતે નક્સલવાદથી પ્રભાવિત કુલ 38 અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ચિંતાજનક જિલ્લાઓની સંખ્યા 9 થી ઘટીને 6 થઈ ગઈ છે. આ 6 જિલ્લાઓમાં આંધ્ર પ્રદેશનો અલ્લુરી સીતારામ રાજુ જિલ્લો, મધ્ય પ્રદેશનો બાલાઘાટ જિલ્લો, ઓડિશાનાં કાલાહાંડી, કંધમાલ અને મલકાનગિરી જિલ્લો અને તેલંગાણાનો ભદ્રાદ્રી-કોથાગુડેમ જિલ્લાનો સમાવેશ થાય છે.
નક્સલવાદ સામે સખત કાર્યવાહીને કારણે, અન્ય માઓવાદીથી ઓછા પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પણ 17 થી ઘટીને 6 પર આવી ગઈ છે, જેમાં છત્તીસગઢનાં દંતેવાડા, ગારિયાબંદ અને મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લા, ઝારખંડનાં લાતેહાર જિલ્લા, ઓડિશાનો નુઆપાડા જિલ્લો અને તેલંગાણાનાં મુલુગુ જિલ્લાનો સમાવેશ થાય છે.
આપણ વાંચો : સરકાર અને સેનાએ નક્સલીઓની કમર ભાંગી, 25 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ…