બિહારમાં 890 કરોડના ખર્ચે સીતામાતાનું ભવ્ય મંદિર બનાવાશે, ચૂંટણી પૂર્વે અમિત શાહે કર્યો શિલાન્યાસ…

પટના: આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાજકીય ધમધમાટ શરુ થઇ ગયો છે. આજે શુક્રવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બિહારના સીતામઢીમાં પુનૌરા ધામ ખાતે પહોંચ્યા હતાં.
જ્યાં તેમણે મા સીતા મંદિરનો શિલાન્યાસ (Amit Shah foundation stone Mata Sita temple) કર્યો અને જાહેર સભાને સંબોધિત કરી. આ પ્રસંગે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરી પણ હાજર રહ્યા હતા.
પુનૌરા ધામ બિહારનું જાણીતું તીર્થધામ છે, આ જગ્યાને માતા સીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે. જેના કારણે પુનૌરા ધામને ‘મા જાનકી જન્મભૂમિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે રૂ 890 કરોડના ખર્ચે અહીં માતા સીતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.

સમગ્ર ભારતનું ભાગ્ય ખુલી જશે:
મંદિરના શિલાન્યાસ બાદ અમિત શાહે જાહેર સભાને સંબોધતા કહ્યું, “આપણા મિથિલા ક્ષેત્રની સંસ્કૃતિ ફક્ત આ વિસ્તારની જ સંસ્કૃતિ નથી, પરંતુ સમગ્ર ભારતનું રત્ન છે. આજે ખૂબ જ શુભ દિવસ છે. વર્ષો પહેલા રામાયણ યુગમાં, રાજા જનકે સોનાના હળથી જમીન ખેડી હતી અને મા જાનકી પ્રગટ થયા હતા. આ મંદિર ફક્ત બિહાર માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ભાગ્ય ખોલશે.”
મંદિર માતૃત્વની શક્તિને સમર્પિત કર્યું:
ભારતીય સંસ્કૃતિ પર માતા સીતાના પ્રભાવ અંગે વાત કરતા અમિત શાહે કહ્યું, “ભારતીય સંસ્કૃતિમાં માતા સીતાનું સ્થાન અનન્ય છે. તેઓ એક આદર્શ પત્ની, પુત્રી, માતા અને રાજમાતાના પાત્રોને એક જ જીવનમાં મૂર્તિમંત કર્યા હતા. માતા સીતાના જન્મસ્થળનો મોટા પાયે મહિમા થવો જરૂરી છે. આ બિહારના ઉદયની શરૂઆત છે, માતા સીતાનું આ મંદિર માતૃત્વની શક્તિને સમર્પિત છે.”
પ્રોજેક્ટની માહિતી આપતા તેમણે કહ્યું 890 કરોડ રૂપિયાના ખર્ચે મા જાનકીનું ભવ્ય સ્મારક અને મંદિર બનાવવામાં આવશે, જેમાં પરિક્રમા પ્લોટ, ધાર્મિક જળ સ્ત્રોત, મેડીકલ ફેસિલિટી વિકસાવવામાં આવશે.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, હવે ભક્તોને મા જાનકી મંદિરની ભેટ મળશે.
આ પણ વાંચો…અભી તો બહોત આગે જાના હૈ………..મોદીએ અમિત શાહને રાજકીય વારસ બનાવવાનો આપ્યો સંકેત ?