અમિત શાહે રચ્યો ઇતિહાસ; આ મામલે અડવાણીને પાછળ છોડ્યા! જાણો 5 ઓગસ્ટની તારીખ કેમ છે ખાસ | મુંબઈ સમાચાર

અમિત શાહે રચ્યો ઇતિહાસ; આ મામલે અડવાણીને પાછળ છોડ્યા! જાણો 5 ઓગસ્ટની તારીખ કેમ છે ખાસ

નવી દિલ્હી: આજે 5 ઓગસ્ટ 2025ના દિવસે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અમિત શાહે ઈતિહાસ રહ્યો છે. તેમણે સૌથી લાંબા સમય સુધી ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન પદ રહેવાનો રેકોર્ડ બનાવ્યો (Amit Shah longest serving home minister) છે. તેમણે 30 મે 2019ના રોજ પદ સંભાળ્યું, ત્યાર બાદ તેમણે આ પદ પર 2,258 દિવસ પૂર્ણ કર્યા છે.

સૌથી વધુ સમય માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન પદ પર રહેવાના મામલે તેઓ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી(L K Advani)થી આગળ નીકળી ગયા છે. અડવાણી જેમણે 19 માર્ચ, 1998 અને 22 મે, 2004 વચ્ચે 2,256 દિવસ સુધી આ પદ પર રહ્યા હતાં. કોંગ્રેસના ગોવિંદ વલ્લભ પંત પણ છ વર્ષથી વધુ સમય માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન પદ પર રહી ચુક્યા છે. ગોવિંદ વલ્લભ પંતે જેમણે 10 જાન્યુઆરી, 1955 થી 7 માર્ચ, 1961 સુધી 6 વર્ષ અને 56 દિવસ માટે આ પદ પર સેવા આપી હતી.

આ ત્રણ નેતાઓ સિવાય અન્ય કોઈ નેતા 6 વર્ષથી વધુ સમય આ પદ પર રહ્યા નથી. મોદી સાકાર 1.0 દરમિયાન રાજનાથ સિંહ પાંચ વર્ષ ગૃહ પ્રધાન રહ્યા હતાં.

અમિત શાહ પહેલી વાર 30 મે, 2019 ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા હતાં અને લોકસભા ચૂંટણી પહેલા 9 જૂન, 2024 સુધી આ પદ પર રહ્યાં. નવી સરકારની રચના બાદ, તેમણે 10 જૂન, 2024 ના રોજ ફરી કાર્યભાર સંભાળ્યો હતો. ગૃહ મંત્રાલયની સાથે તેઓ કેન્દ્રીય સહકાર પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે.

5 ઓગસ્ટ કેમ ખાસ છે?

ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન પદ રહેતા અમિત શાહે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 રદ કરવાની અને બે રાજ્યને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય પણ તેમણે 5 ઓગસ્ટના રોજ જાહેર કર્યો હતો, આ માટે આ તારીખનું મહત્વ વધી જાય છે.

કાર્યકાળ દરમિયાન અમિત શાહની ઉપલબ્ધી:

વડાપ્રધાન મોદીની સરકારમાં તેમના કાર્યકાળ હેઠળ તેમણે કલમ 370 નાબુદ કરવા ઉપરાંત અમિત શાહે ઘણા મોટા નિર્ણયો કર્યા હતાં. તેમણે સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA)નું તબક્કાવાર અમલીકરણ કરાવ્યું. તેમના કાર્યકાળ દરમિયાન માઓવાદી પ્રવૃત્તિ સંબંધિત હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિવાદાસ્પદ રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠાનું કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં કેટલાક શાંતિ કરારો પર હસ્તાક્ષર પણ તેમના કાર્યકાળ દરમિયાન થયા, જેના કારણે આ પ્રદેશમાં લાંબા સમયથી કાર્યરત બળવાખોરોએ હથિયાર હેઠા મૂકીને સરકાર સાથે સમાધાન કર્યું.

અમિત શાહ સામેના પડકારો:

અમિત શાહ કાર્યકાળ દરમિયાન મણીપુર હિંસાનો મુદ્દો સૈથી પડકારજનક રહ્યો છે, રાજ્યમાં ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી હિંસા રોકવા તેઓ હજુ સુધી સફળ થઇ શક્યા નથી. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ઘણા સમાયથી આતંકવાદી હુમલાની ઘટનામાં વધારો થયો છે, જેના માટે તેમની સામે સવાલો ઉઠાવવામાં આવે છે. આ ઉપરાંત દેશમાં ધર્મ અને જાતીના આધારે ભેદભાવ અને હિંસાના વધી રહેલા બનાવો અંગેના પ્રશ્નો સતત તેમની સામે રહ્યા છે. સાથે એવા પણ આરોપ લાગ્યા છે કે નક્સલવાદ સામેના અભિયાન દરમિયાન નિર્દોષ આદિવાસીની હત્યા કરવામાં આવી રહી છે, જો કે આ વાત હજુ પુરવાર નથી થઇ શકી. આગામી સમયમાં તેઓ આ મુદ્દાઓ અંગે કેવી રીતે કામ કરે છે એ જોવું રહ્યું.

આ પણ વાંચો…પ્રધાન મોદી અને અમિત શાહ રાષ્ટ્રપતિને મળ્યા, મુલાકાતનું રહસ્ય ઘેરાયું? પાંચમી ઓગસ્ટ સાથે છે ખાસ કનેક્શન છે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button