ચાણક્ય બન્યા અમિત શાહ, બિહારમાં આપી એવી ફોર્મ્યુલા કે નીતીશ, ચિરાગ, પારસ પણ ખુશ
પટણાઃ ભાજપના ચાણક્ય ગણાતા ગૃહ પ્રધાન અમિત શાહે બિહારમાં NDA વચ્ચે સીટની વહેંચણી માટે એવી ફોર્મ્યુલા આપી છે કે નીતીશ કુમાર, ચિરાગ પાસવાન અને તેમના કાકા પશુપતિ પારસ ના પાડી શક્યા નથી. આ સાથે ઉપેન્દ્ર કુશવાહાની નારાજગી પણ દૂર થઈ ગઈ છે.
લોકસભા ચૂંટણીને લઈને બિહારમાં સીટ શેરિંગને લઈને એનડીએમાં સહમતિ બની છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાજીપુર સહિત 5 લોકસભા સીટો ચિરાગ પાસવાનને આપવામાં આવી છે. ચિરાગને તેના પિતા રામવિલાસ પાસવાનની પરંપરાગત હાજીપુર સીટ આપવામાં આવી શકે છે, જેની તેઓ માંગ કરી રહ્યા હતા. તેમના કાકા પશુપતિ પારસને એક સીટ આપવામાં આવી છે. સંભવિત સીટ શેરિંગ ફોર્મ્યુલા અનુસાર, ભાજપ ત્યાંની કુલ 40 લોકસભા સીટોમાંથી 17 બેઠકો પર ચૂંટણી લડશે. જીતન રામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોરચાને 1 સીટ મળશે. જ્યારે ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી પણ 1 સીટ પર ચૂંટણી લડશે.
મળતી માહિતી અનુસાર ચિરાગ પાસવાન આ ફોર્મ્યુલા સાથે સહમત થયા છે અને તેમણે NDA સાથે રહેવાનો નિર્ણય લીધો છે. જો કે, આ સંભવિત ફોર્મ્યુલાને હજુ સુધી આખરી ઓપ અપાયો નથી અને માનવામાં આવી રહ્યું છે કે એક-બે બેઠકોમાં ફેરબદલ થઈ શકે છે.