
નવી દિલ્હી: આવતી કાલે 31 ઓકટોબરના રોજ ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે, આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. એ પહેલા આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટી જાહેરાત કરી છે.
અમિત શાહે જાહેરાત કરી કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ‘ભારત પર્વ 2025’ ઉજવવામાં આવશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે હવેથી દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના એકતા નગર ખાતે સદર પટેલની જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે.
‘કોંગ્રેસે સરદારનું ઉપેક્ષા કરી’
અમિત શાહે કહ્યું, “મહાત્મા ગાંધીની સાથે, સરદાર પટેલે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની કરોડરજ્જુ હતાં. રાષ્ટ્રના પાયાના નિર્માણમાં તેમનું યોગદાન ખૂબ જ વિશાળ હતું. છતાં, કોંગ્રેસે સરદાર પટેલને ભૂલાવવા માટે કોઈ કસર છોડી ન હતી અને તેમના નામે કોઈ પ્રતિમા કે સ્મારક બનાવ્યું ન હતું. તેમણે કહ્યું કે બીજી તરફ, NDA સરકારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કર્યું, જે એક એન્જિનિયરિંગ અજાયબી છે.”
દર વર્ષે એકતા નગરમાં યોજાશે પરેડ:
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંગે જાણકરી આપતા અમિત શાહે કહ્યું, “આ વર્ષે, ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘણાં બધા ખાસ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં યોજાતી પરેડની જેમ, દર વર્ષે 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે એક ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે.”
તેમણે એવી પણ જાહેરાત કરી કે 15 નવેમ્બરના રોજ આદિવાસી પ્રતિમા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે એક ભવ્ય ઉજવણી કરવામાં આવશે.



