કોંગ્રેસની નીતિઓને લીધે અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીમાં નથી એસસી, એસટી, ઓબીસી આરક્ષણ : અમિત શાહ
નવી દીલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનામત ખતમ કરવાના રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધી પાયાવિહોણી વાતો કરે છે. જો ભાજપનો ઈરાદો તેને ખતમ કરવાનો હોત તો આજસુધીમાં કરી દીધું હોત. પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને ખાતરી આપી છે કે જ્યાં સુધી ભાજપ છે. ત્યાં સુધી આરક્ષણને કોઈ હાથ નહીં લગાડે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ થઇ રહ્યો છે. તો બીજી તરફ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યાં છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે રાહુલ ગાંધી પાયાવિહોણા જૂઠ્ઠાણા બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. જો ભાજપનો ઈરાદો અનામતને ખતમ કરવાનો હોત તો આજસુધીમાં કરી દીધું હોત.
વાસ્તવમાં, રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે ભાજપના નેતાઓ અને નરેન્દ્ર મોદીના નજીકના લોકોના નિવેદનોથી આ સ્પષ્ટ થઈ ગયું છે. તેમનો ઉદ્દેશ્ય બંધારણમા ફેરફારો કરીને ભારતમાં લોકશાહી વ્યવસ્થા નાબુદ કરી દેવાનો છે. તેઓ આદિવાસીઓ, દલિતો અને પછાત વર્ગોનું અનામત ખતમ કરી દેશના શાસનમાં તેમની ભાગીદારી નષ્ટ કરવા માંગે છે. પરંતુ બંધારણ અને અનામતની રક્ષા માટે કોંગ્રેસ ભાજપના માર્ગમાં પથ્થર બનીને વિક્ષેપ બનીને ઉભી છે. જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી વિશ્વની કોઈ તાકાત વંચિતો પાસેથી તેમનું અનામત છીનવી શકશે નહીં.
રાહુલ ગાંધીના આ નિવેદન પર ગૃહમંત્રીએ પલટવાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી પાયાવિહોણા જૂઠ્ઠાણા બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશની જનતાએ ભાજપની સરકારને 2 વખત પૂર્ણ બહુમતી આપી છે. જો ભાજપનો ઈરાદો અનામત ખતમ કરવાનો હોત તો અત્યાર સુધીમાં થઈ ગયો હોત. પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને ખાતરી આપી છે કે જ્યાં સુધી ભાજપ છે. ત્યાં સુધી આરક્ષણને કોઈ હાથ નહીં લગાડે.
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, “કર્ણાટકમાં તેમની સરકાર આવી અને ઓબીસીનો ક્વોટા કાપીને 4 ટકા લઘુમતી અનામત આપી. આંધ્રમાં તેમની સરકારે ૫ ટકા લઘુમતી અનામત આપ્યું. કોંગ્રેસે હંમેશા પછાત સમાજનો વિરોધ કર્યો છે અને આદિવાસીઓને ન્યાય અપાવવા માટે ક્યારેય કામ કર્યું નથી. અને AMU જેવી સંસ્થાઓમાં SC-ST અને OBC માટે કોઈ અનામત નથી, તેનું એકમાત્ર કારણ કોંગ્રેસની SC-ST અને OBC પ્રત્યેની નીતિઓ છે. કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરને હેરાન કરવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્માને રાષ્ટ્રપતિ બનાવીને આદિવાસી સમાજને સન્માન આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે.