Amit Shah: આચાર સંહિતાના ભંગ બદલ અમિત શાહ સામે કેસ નોંધાયો, જાણો શું છે મામલો

હૈદરાબાદ: લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ચૂંટણી પંચે લાગુ કરેલી આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર કે માધવી લથા, જી કિશન રેડ્ડી, ટી યમન સિંહ અને રાજા સિંહ સહિત અન્ય બીજેપી નેતાઓ સામે હૈદરાબાદ(Hyderabad)માં પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. હૈદરાબાદમાં પાર્ટીના પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરવા બદલ આ કેસ નોંધવામાં આવ્યો છે.
તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (TPCC)ના ઉપાધ્યક્ષ નિરંજન રેડ્ડી(Niranjan Reddy)એ કરેલી ફરિયાદના આધારે હૈદરાબાદ પોલીસે આ કેસ દાખલ કર્યો છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 મેના રોજ લાલદરવાજાથી સુધા ટોકીઝ સુધીની ભાજપની રેલીમાં શાહ સહિત ભાજપના ઘણા નેતાઓએ ભાગ લીધો હતો, આ દરમિયાન ભાજપના નેતા સાથે મંચ પર કેટલાક બાળકો જોવા મળ્યા હતા.
રેડ્ડીએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે એક બાળક બીજેપીના ચૂંટણી પ્રતીક સાથે મંચ જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે તે ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.
ફરિયાદમાં વધુમાં નોંધવામાં આવ્યું કે, “આ ચૂંટણી પંચની દિશાનિર્દેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અમે તમારા અવલોકન માટે અહીં એક ફોટો સાથે જોડી રહ્યા છીએ,”
ફરિયાદના જવાબમાં ચૂંટણી પંચે હૈદરાબાદના પોલીસ કમિશનર શ્રીનિવાસ રેડ્ડીને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ કમિશનરના આદેશ પર, દક્ષિણ ઝોનના ડીસીપી સ્નેહા મહેરાએ તપાસ હાથ ધરી હતી અને કેસ નોંધ્યો હતો. હૈદરાબાદના મુગલપુરા પોલીસ કેસની તપાસ કરી રહી છે.
પોલીસે IPC કલમ 188 (જાહેર સેવક દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન) હેઠળ કેસ નોંધ્યો છે અને તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ઈલેક્શન કમીશન ઓફ ઇન્ડિયા (ECI) એ અગાઉ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવાના નિર્દેશો જાહેર કર્યા હતા, અને જણાવ્યુ હતું કે આ બાબતે “ઝીરો ટોલરન્સ”નો અભિગમ રહેશે.