નેશનલ

પાકિસ્તાનનો ઘટસ્ફોટ: પહેલગામની આગ વચ્ચે પુલવામા હુમલામાં પણ હાથ હોવાની કબૂલાત

નવી દિલ્હીઃ પહેલગામમાં 26 નિર્દોષ ભારતીયોને મારી નાખી પાકિસ્તાને દરેક ભારતીયના હૃદય-મનમાં આગ ફેલાવી દીધી છે ત્યારે હવે તેમાં ઘી હોમવાનું કામ કરતું હોય તેમ સ્વીકાર્યું છે કે 2019માં થયેલા પુલવામા હુમાલામાં પણ તેમનો હાથ હતો.

2019ના પુલવામા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા મામલે હંમેશાં તેમણે ઈનકાર જ કર્યો છે ત્યારે હવે પાકિસ્તાની સેનાએ પોતે એક ચોંકાવનારી કબૂલાત કરી છે. પાકિસ્તાની વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ પુલવામા હુમલાને ટેકનિકલ બ્રિલિયન્સ કહ્યું છે. એકબાજુ ભારતે કરેલા ઑપરેશન સિંદૂરથી તારાજ થયેલા પાકિસ્તાને પોતે જ કરેલા અમાનુષી હુમલા વિશે ઘટસ્ફોટ કર્યો છે.

પાકિસ્તાન વાયુસેનાના એર વાઇસ માર્શલ અને ડાયરેક્ટર પબ્લિક રિલેશન્સ (ડીજીપીઆર) ઔરંગઝેબ અહેમદે એક પ્રેસ કોન્ફરન્સમાં પુલવામા હુમલાને ટેકનિકલ બ્રિલિયન્સનું ઉદાહરણ ગણાવ્યું.

આ નિવેદન માત્ર પુલવામામાં જ નહીં પરંતુ તાજેતરના પહેલગામ હુમલામાં પણ પાકિસ્તાનની ભૂમિકા પર શંકાઓને વધુ ઘેરી બનાવી રહ્યું છે. ઔરંગઝેબ અહેમદના આ નિવેદનથી પાકિસ્તાન ઊઘાડું પડી ગયું છે. પાકિસ્તાન વારંવાર દાવો કરતું રહ્યું છે કે પુલવામા હુમલામાં તેમનો કોઈ હાથ નથી.

આ દરમિયાન ઔરંગઝેબ અહેમદ સાથે પાકિસ્તાન સેનાના ડીજી આઈએસપીઆર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી અને નૌકાદળના પ્રવક્તા પણ હાજર હતા. પ્રેસ કોન્ફરન્સમાં આપેલું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે એ સાબિત કરવા પૂરતું છે કે પાકિસ્તાન આતંકવાદને પોષે છે અને ભારતમાં થયેલા આતંકી હુમલા માટે તે પણ એટલું જ જવાબદાર છે.

પુલવામામાં 40 જવાન થયા હતા શહીદ

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં ૪૦ CRPF જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ (JeM) એ લીધી હતી. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો અને ઘણી વખત નક્કર પુરાવા પણ આપ્યા હતા. પાકિસ્તાન હંમેશા તેનો ઇનકાર કરતું રહ્યું છે, પરંતુ હવે તેના પોતાના લશ્કરી અધિકારીએ સ્વીકાર્યું છે કે પુલવામા હુમલા પાછળ તેની સેના મુખ્ય સૂત્રધાર હતી. આ હુમલા પછી, 26 ફેબ્રુઆરીના રોજ, ભારતે ‘ઓપરેશન બાલાકોટ’ હેઠળ પાકિસ્તાનના બાલાકોટમાં સ્થિત જૈશના સૌથી મોટા આતંકવાદી તાલીમ શિબિર પર એર સ્ટ્રાઈક કરી હતી અને તારાજી વેરી હતી.

આ પણ વાંચો….ભારતે અમારા પર યુદ્ધ થોપી દીધું છે પાકિસ્તાનની બેશરમી તો જુઓ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button