
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પ્રકાશમાં આવી છે. જેની બાદ ભારત જવાબી કાર્યવાહી માટે સજ્જ થઇ રહ્યું છે. જે દરમિયાન ભારતીય વાયુસેનાએ શુક્રવારે રાત્રે યુપીના ગંગા એક્સપ્રેસ વે પર એક નવો ઇતિહાસ રચ્યો. ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં પહેલીવાર વાયુસેનાના અત્યાધુનિક ફાઇટર વિમાનોએ એક્સપ્રેસ વે પર બનેલા ખાસ રનવે પર સફળ રાત્રિ ઉતરાણ કર્યું. આને જોવા માટે આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા.
લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો
જેમાં રાત્રે લગભગ 9 વાગ્યે રાફેલ, સુખોઈ-30 MKI અને સુપર હર્ક્યુલસ જેવા શક્તિશાળી ફાઇટર જેટ અંધારા આકાશમાં ગર્જના સાથે ઉડાન ભરી અને પછી એક્સપ્રેસ વે પટ્ટીને સ્પર્શવા લાગ્યા ત્યારે ત્યાં હાજર હજારો લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ અને પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવ્યા હતા.
જાણો ગંગા એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી ?
ગંગા એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જે 594 કિલોમીટર લાંબો છે અને મેરઠથી પ્રયાગરાજ સુધી વિસ્તરશે. આમાં, શાહજહાંપુર નજીક 3.5 કિમી લાંબી હવાઈ પટ્ટી બનાવવામાં આવી છે. જેનો ઉપયોગ કટોકટીની સ્થિતિમાં વાયુસેનાના વિમાનો ટેકઓફ અને લેન્ડિંગ માટે કરી શકે છે. આ સુવિધા દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે.
સરકારનો ઉદ્દેશ્ય નવેમ્બર 2025 સુધીમાં ગંગા એક્સપ્રેસ વેને સંપૂર્ણપણે જનતા માટે સમર્પિત કરવાનો છે. નાઇટ લેન્ડિંગ જેવી કવાયતો દર્શાવે છે કે આ એક્સપ્રેસ વે માત્ર ટ્રાફિકના દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો…પાકિસ્તાનમાં ફફડાટ યથાવત્ઃ સર્જિકલ સ્ટ્રાઈક માટે આ શહેર ફર્સ્ટ ટાર્ગેટ હશે?