
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે અફઘાનિસ્તાનના તાલિબાન શાસિત શાસનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે પ્રથમ સત્તાવાર વાતચીત કરી હતી. મળતી માહિતી મુજબ આ વાતચીતમાં, ભારત-અફઘાનિસ્તાન પરંપરાગત મિત્રતા, વિકાસ ભાગીદારી અને જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા જેવા મુદ્દાઓ મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યા હતા.
અફઘાન લોકો સાથે ભારતની પરંપરાગત મિત્રતા પર ભાર મૂક્યો
આ વાતચીતમાં વિદેશ મંત્રીએ અફઘાન લોકો સાથે ભારતની પરંપરાગત મિત્રતા પર ભાર મૂક્યો અને તેમની વિકાસ જરૂરિયાતો માટે સતત સમર્થન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઉલ્લેખનીય છે કે, ભારતે હજુ સુધી તાલિબાન શાસનને સત્તાવાર રીતે માન્યતા આપી નથી.
તાલિબાન સરકારે જાહેરમાં પહલગામ હુમલાની નિંદા કરી
આ વાતચીત એવા સમયે થઈ હતી જ્યારે તાલિબાન સરકારે જાહેરમાં પહલગામ હુમલાની નિંદા કરી હતી. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ સામેલ હતા.
સહયોગને વધુ વધારવા માટેના પગલાંની ચર્ચા કરી
આ વાતચીત બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું – “અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે સારી વાતચીત થઈ. પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ તેમનો આભાર માન્યો. અફઘાન લોકો સાથેની આપણી પરંપરાગત મિત્રતા અને વિકાસ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો પુનરાવર્તિત કર્યો અને સહયોગને વધુ વધારવા માટેના પગલાંની ચર્ચા કરી.”
ભારતે હજુ સુધી તાલિબાન શાસનને માન્યતા આપી નથી
ઉલ્લેખનીય છે કે, ભારતે હજુ સુધી તાલિબાન શાસનને માન્યતા આપી નથી અને કાબુલમાં સમાવેશી સરકારની રચનાની હિમાયત કરી રહ્યું છે. ભારત એ પણ આગ્રહ રાખતું રહ્યું છે કે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન થવો જોઈએ. જયશંકર-મુત્તાકી વાતચીત અંગે અફઘાનિસ્તાન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધો તેમજ વેપાર અને રાજદ્વારી ભાગીદારીને આગળ વધારવા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
આ પણ વાંચો…ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો જશ ખાટ્યા બાદ ટ્રમ્પનો યુટર્ન, મધ્યસ્થીના દાવામાં કરી પીછેહઠ