રાજકારણની ઉથલપાથલ વચ્ચે I.N.D.I.A. ગઠબંધનને છે ‘યોગ્ય સમયની રાહ’

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામ બાદ દિલ્હીના રાજકારણમાં ભારે ઉથલપાથલનો માહોલ છે. આ દરમિયાન ઇન્ડી ગઠબંધનની બેઠક મળી હતી. બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું INDI ગઠબંધન યોગ્ય સમયની રાહ જોશે., “અમે બધા સાથે મળીને ચૂંટણી લડ્યા. આ મોદીની નૈતિક અને રાજનીતિક હાર છે. અમે ભાજપની વિરુદ્ધ લડત આપતા રહીશું, આ જનમત ભાજપની નીતિઓની વિરુદ્ધનો છે.
“કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘અમારી બેઠકમાં ગઠબંધન અને પાર્ટીના નેતાઓએ વર્તમાન રાજનીતિક પરિસ્થિતિને લઈને સૂચનો કર્યા હતા. ઇન્ડી ગઠબંધનના સાથી પક્ષોને મળેલા સમર્થન માટે ભારતની જનતાનો આભાર વ્યક્ત કરે છે. જનતાએ જનાદેશ દ્વારા ભાજપ અને તેની નફરત, ભ્રષ્ટાચારની રાજનીતિ પર રોકડું પરખાવ્યું છે.
તેમણે કહ્યું હતું કે “આ જનાદેશ ભારતના સંવિધાનની રક્ષા, મોંઘવારી, મૂડીવાદના વિરુદ્ધ લોકતંત્રને બચાવવા માટેનો છે. ઇન્ડિયા ગઠબંધનની સરકાર ફાસીવાદી શાસનના વિરુદ્ધમાં લડત યથાવત રાખશે. આ બેઠકમાં તેજસ્વી યાદવ, રાઘવ ચઢ્ઢા, શરદ પવાર, ડી રાજા, સંજય રાઉત, અખિલેશ યાદવ, ચંપાઈ સોરેન, સુપ્રિયા સુલે, શરદ પવાર સહિત નેતાઓ હાજર હતા.