ખાલિસ્તાની પન્નુની હત્યાના કેસમાં અમેરિકાનો ભારતને સમન્સઃ સરકારે આપ્યો જવાબ
નવી દિલ્હીઃ અમેરિકાની એક કોર્ટે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના કેસમાં ભારત સરકાર અને અજીત ડોભાલને સમન્સ જારી કર્યા છે. અમેરિકન કોર્ટના સમન્સનો ભારતે જોરદાર જવાબ આપ્યો છે. ભારત સરકારે કહ્યું છે કે સમન્સ “સંપૂર્ણપણે અયોગ્ય” છે.
જ્યારે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીને સમન્સ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે “જ્યારે આ મુદ્દો પ્રથમ વખત અમારા ધ્યાનમાં આવ્યો, ત્યારે અમે પગલાં લીધા. આ બાબતે એક ઉચ્ચ સ્તરીય સમિતિ કામ કરી રહી છે.” તેમણે કહ્યું કે આ “સંપૂર્ણપણે અયોગ્ય કેસ” છે. મિસ્ત્રીએ વધુમાં કહ્યું કે,પન્નુ કેવા પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ છે તે જાણીતું છે અને તે ગેરકાયદેસર સંસ્થાનો છે.
નોંધનીય છે કે પન્નુ કટ્ટરવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો પ્રમુખ છે અને તે ભારતીય નેતાઓ અને સંસ્થાઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણો અને ધમકીઓ આપવા માટે જાણીતો છે.ભારત સરકારે ૨૦૨૦ માં તેને આતંકવાદી જાહેર કર્યો હતો.
નવેમ્બરમાં મીડિયામાં એક અહેવાલ આવ્યો હતો કે યુએસ અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવતા પન્નુની હત્યાના કાવતરાને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યો હતો. જો બાઈડન વહીવટીતંત્રના અધિકારીઓએ પાછળથી આની પુષ્ટિ કરી હતી.
તેના પ્રથમ પ્રતિભાવમાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે “ચિંતાનો વિષય” છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.
આપણ વાંચો: Video: ખાલિસ્તાની આતંકવાદી Hardeep singh Nijjar ની હત્યાનો વીડિયો જાહેર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે , “જ્યાં સુધી ભારતીય અધિકારી સાથે કથિત રીતે જોડાયેલા એક વ્યક્તિ વિરુદ્ધ યુએસ કોર્ટમાં દાખલ કેસનો સંબંધ છે, તે ચિંતાનો વિષય છે. તે સરકારની નીતિની વિરુદ્ધ છે. “
આ વર્ષે મે મહિનામાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારત આ મામલાની તપાસ કરી રહ્યું છે, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેનાથી ભારત-અમેરિકા સંબંધો પર કોઈ અસર નહીં થાય. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સે વિશ્વાસ સાથે કેટલીક માહિતી અમારા ધ્યાન પર લાવી છે, અમે એ પણ જાણીએ છીએ કે તેમાંથી કેટલીક બાબત અમારી પોતાની સિસ્ટમ પર અસર કરે છે.
તેમણે કહ્યું, “અમે તેની તપાસ કરી રહ્યા છીએ. પરંતુ મને નથી લાગતું કે ભારત-અમેરિકાના સંબંધો પર તેની કોઈ અસર પડશે. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું હતું કે આ મામલે ભારત, યુએસ સંબંધો પર કોઈ અસર નહીં પડે.