અમેરિકાનું ડબલ સ્ટાન્ડર્ડઃ કેજરીવાલની ધરપકડ પર બોલકું અમેરિકા પાકિસ્તાન મામલે ચૂપ!
નવી દિલ્હીઃ વિશ્વમાં બનતી અમુક ઘટનાઓ પર એકબીજા દેશ પ્રતિક્રિયા આપે તે બરાબર છે, પરંતુ જો કોઈ દેશનું ધોરણ બેવડું હોય તો તે સ્વીકાર્ય નથી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અમેરિકા સહિત વિશ્વના મીડિયાએ પ્રતિક્રિયાઓ આપી હતી ત્યારે એક પત્રકારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાને સવાલ પૂછયો હતો અને તેમની પાસે જવાબ ન હતો, તેવી સ્થિતિ સર્જાય હતી.
અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકા નિયમિતપણે નિવેદનો આપી રહ્યું છે, જેના વિશે હવે એક પત્રકારે સવાલ પૂછ્યો છે. બુધવારે એક પત્રકારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને પૂછ્યું કે અમેરિકા ફક્ત અરવિંદ કેજરીવાલની ધરપકડ પર કેમ અવાજ ઉઠાવી રહ્યું છે અને પાકિસ્તાનમાં વિપક્ષી નેતાઓની ધરપકડ પર કેમ મૌન છે.
દૈનિક પ્રેસ બ્રીફિંગમાં પત્રકારે મેથ્યુ મિલરને જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીની સંપત્તિઓ ફ્રીઝ કરવા અંગે રોજ નિવેદનો જારી કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તામાં રાજકીય નેતાઓ સાથે થઈ રહેલી ગેરવર્તણૂક સામે કેમ મૌન છે.
આપણ વાંચો: ‘મોસ્કો કોન્સર્ટ હોલ હુમલા માટે અમેરિકા જવાબદાર’, રશિયાનો આરોપ
આ પ્રશ્નના જવાબમાં મેથ્યુ મિલરે કહ્યું કે બંને કેસને એકસાથે જોવું યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે પાકિસ્તાનમાં દરેકને સમાન કાયદા અને માનવાધિકારના દૃષ્ટિકોણથી જોવામાં આવે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલ હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે.
તેમની ધરપકડ સમયે અમેરિકા ઉપરંત જર્મની સહિતના વૈશ્વિક મીડિયાએ આ વાતનીનોંધ લીધી હતી. જોકે વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમની ઝાટકણી કાઢી દેશના આંતરિક બાબતોમાં દખલ ન આપવા જણાવ્યું હતું.