અમેરિકનો દારૂથી મોઢું ફેરવી રહ્યા છે! પીનારાની ટકાવારી 86 વર્ષમાં સૌથી ઓછી, જાણો શું છે કારણ

દારૂ પીવાની આદત શારીરિક અને માનિસક સ્વાસ્થ્યની ગંભીર નુકશાન પહોંચાડી શકે છે, જેના વિષે વિવિધ માધ્યમોથી જાગૃતિ ફેલવવામાં આવી રહી છે, લોકોને દારૂ છોડવા અપીલ કરવા ચલાવવામાં આવી રહેલા અભિયાનો અસર થવા લાગી રહી હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા એક આહેવાલ મુજબ અમેરિકનો ધીમે ધીમે દારૂ પીવાનું છોડી (Americans giving up alcohol driking) રહ્યા છે,
વર્ષ 1939 થી અમેરિકાના લોકોમાં દારૂ પીવાનાની વલણનો સર્વે કરતી સંસ્થા ગેલપ (Gallup)એ તાજેતરમાં કરેલા સર્વે મુજબ અમેરિકાના પુખ્ત વયના લોકોમાંથી ફક્ત 54% લોકો જ દારૂ પીવે છે, અને જેઓ દારૂ પીવે છે તેઓ પણ પહેલા કરતા ઓછો દારૂ પી રહ્યા છે. સર્વે મુજબ યુએસમાં દારૂ પીવાનારાની ટકાવારી 86 વર્ષમાં સૌથી ઓછી છે.
યુવાનોમાં જાગૃતિ વધી:
પુરુષો કરતાં મહિલાઓમાં દારૂ છોડવાનો ટ્રેન્ડ વધુ છે. ખાસ કરીને યુવાનો દારૂથી દુર થઇ રહ્યા છે. ગેલપના વર્ષ 2023ના સર્વે મુજબ 18 થી 34 વર્ષની વયના 59% યુવાનો દારૂ પીતા, આ સંખ્યા ઘટીને વર્ષ 2025માં 50% થઈ ગઈ. યુવાનોમાં દારૂ પીવાનો દર હવે મધ્યમ વય અને વૃદ્ધો કરતા પણ ઓછો થઈ ગયો છે.
25 વર્ષમાં દારૂ પીનારાની ટકાવારી ઘટી:
ગેલપે વર્ષ 1939માં આ પ્રકારનો સર્વે કરવાનું શરુ કર્યું હતું, તે સમયે યુએસમાં 58 ટકા લોકો દારૂ પીતા હતા. ત્યારબાદ 1958 આ આંકડો 55 ટકા અને 1974માં 68 ટકા થયો હતો, જ્યારે 1981માં યુએસમાં દારૂ પીતા લોકોની ટકાવારી 71 ટકા પર પહોંચી હતી. ત્યાર બાદ આ આંકડો સતત ઘટી રહ્યો છે. વર્ષ 2023માં 62% અને 2024માં 58% અમેરિકાનો દારૂ પીતા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો ઘટીને માત્ર 54 ટકા પર પહોંચી ગયો છે.
ઓછી માત્રામાં દારૂ પીવાથી ફાયદો થાય?
સામાન્ય રીતે એવી માન્યતા છે કે નિયમિત ઓછી માત્રામાં દારૂ પીવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલા કેટલાક રીસર્ચ પેપર મુજબ ઓછા દારૂનું સેવન પણ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમ અનુસાર, ઓછો દારૂ પીવાથી પણ ચોક્કસ પ્રકારના કેન્સર અને હૃદયને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
સર્વેમાં મુજબ 53 ટકા અમેરિકનો માને છે કે ઓછી માત્રામાં દારૂ પીવો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ફક્ત 6% અમેરિકનો માને છે કે તેનાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે, જ્યારે 37% અમેરિકનો માને છે કે દિવસમાં 1-2 પેગ પીવાથી કોઈ ફરક પડતો નથી.
દારૂ પીવાનું વલણ કેમ ઘટી રહ્યું છે:
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના 2024ના અહેવાલ મુજબ, અમેરિકામાં દર વર્ષે લગભગ 1,78,000 લોકો વધુ પડતા દારૂ પીવાને કારણે મૃત્યુ પામે છે. સ્વાસ્થ્ય પર દારૂના દુષ્પ્રભાવ અંગે ધીમે ધીમે આ અંગે જાગૃતિ વધી રહી છે, જેના કારણે લોકો દારૂ છોડી રહ્યા છે.
ખાસ કરીને કોવિડ-19 પાનડેમિક બાદ લોકો સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે વધુ જાગૃત થઇ રહ્યા છે, લોકો રોગપ્રતિકારક શક્તિ અને બીજી ઘણી બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. પરિણામે લોકો દારૂથી દૂર થઈ ગયા છે.
ભારતમાં દારૂનું વેચાણ વધ્યું:
ભારતની કુલ 140 કરોડની વસ્તીમાંથી ગભગ 30 કરોડ લોકો દારૂ પીવે છે. આ 30 કરોડમાંથી, લગભગ અડધા લોકો સસ્તી અથવા બ્રાન્ડ વગરનો જોખમકારક દારૂ પીવે છે. અહેવાલ મુજબ એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરમાં દેશમાં સ્પિરિટનું વેચાણ 6% વધ્યું છે. તે જ સમયે, વ્હિસ્કીમાં 7% વધારો થયો છે. વોડકાની માંગ 14% અને રમની માંગ 9% વધી છે. જે દર્શાવે છે કે ભારતમાં દારૂનું સેવન વધી રહ્યું છે
ગેલપનો સર્વે 7-21 જુલાઈ દરમિયાન ફોન ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના 1,002 પુખ્ત વયના લોકોનો સાથે વાત કરવામાં આવી હતી. તમામ 50 યુએસ રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં રહેતા લોકોના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતાં. માર્જિન ઓફ એરર ±4 ટકા પોઈન્ટ છે.
આપણ વાંચો: રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન