ટ્રમ્પે ભારતને શું આપ્યો વધુ એક મોટો ઝટકો ? જાણો વિગતવાર

વોશિંગ્ટન ડીસીઃ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ નીતિને આગળ વધારતાં વધુ એક મોટું અને ચોંકાવનારું પગલું ભર્યું હતું. અમેરિકાએ ભારતના નેતૃત્વ હેઠળના ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ સહિત 66 વૈશ્વિક સંસ્થાઓમાંથી હટવાની ઔપચારિક જાહેરાત કરી છે.
વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, અમેરિકાના રાષ્ટ્રીય હિતથી વિપરીત હોય તેવી આંતરારાષ્ટ્રીય સંસ્થાઓમાં હટી રહ્યું છે. આ નિર્ણય અંતર્ગત 35 નોન યુએન સંગઠન અને 31 યુએન સાથે જોડાયેલી સંસ્થાઓ સામેલ છે.
આ સંસ્થાઓમાંથી અમેરિકાનું હટવું એ વૈશ્વિક સ્તરે ક્લીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસો માટે મોટો ઝટકો માનવામાં આવે છે. અમેરિકાના આ નિર્ણયની અસર સંયુક્ત રાષ્ટ્રની મહત્વની પાંખો પર પણ પડશે. જે મુખ્ય સંસ્થાઓમાંથી અમેરિકાએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ સંસ્થાઓમાં અમેરિકાની ભાગીદારી અને ભંડોળ બંધ થવાથી વૈશ્વિક વિકાસ અને શાંતિના કાર્યો પર વ્યાપક અસર પડવાની આશંકા છે.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તમામ અમેરિકી વિભાગો અને એજન્સીઓને તાત્કાલિક અસરથી આ સંગઠનોમાંથી અમેરિકાની ભાગીદારી અને ફંડિંગ સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. વિદેશ મંત્રીના અહેવાલ અને કેબિનેટ સાથેની ચર્ચા બાદ ટ્રમ્પ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ સંગઠનોમાં અમેરિકાની હાજરી દેશના હિતમાં નથી.
અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, આજે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આજે અમેરિકા વિરોધી, બેકાર કે ફાલતુ ખર્ચવાળા આંતરરાષ્ટ્રીય સંગંઠનો છોડવોની જાહેરાત કરી છે. આ ઉપરાંત અન્ય સંગઠનોની સમીક્ષા પણ ચાલુ છે. તેમણે આગળ લખ્યું કે, આ પગલું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ દ્વારા અમેરિકનવાસીને કરવામાં આવેલા એક મહત્ત્વના વાયદાને પૂરું કરે છે. જે અમારા હિતની વિરુદ્ધ કામ કરતા હોય તેવા સંગઠનોને સબસિડી આપવાનું બંધ કરીશું. ટ્રમ્પ પ્રશાસન હંમેશા અમેરિકા અને અમેરિકનવાસીઓને સૌથી પહેલા રાખશે.
અગાઉ પણ લેવાયા છે આવા નિર્ણયો
નોંધનીય છે કે ટ્રમ્પ પ્રશાસન અગાઉ પણ આવા કડક પગલાં ભરી ચૂક્યું છે. આ પહેલા જાન્યુઆરી 2025 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને જુલાઈ 2025 માં યૂનેસ્કો (UNESCO) માંથી પણ અમેરિકા બહાર નીકળી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે અર્થતંત્રની વર્તમાન સ્થિતિ તથા ટેરિફ નીતિનો ઉલ્લેખ કરીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું. વ્હાઇટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા ઓડિયો સંદેશમાં ટ્રમ્પે કહ્યું- ટેરિફ નીતિના કારણે ભારતે કથિત રીતે રશિયા પાસેથી ઓઈલ આયાત કરવાના નિર્ણય પર ફરી વિચારણા કરવી પડશે. તેમણે વેનેઝુએલામાં સૈન્ય અભિયાન ઉપરાંત દેશની આર્થિક સ્થિતિ પર પણ ટિપ્પણી કરી હતી.ભારતના રશિયા પાસેથી ઓઈલ આયાત પર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેઓ મને ખુશ કરવા માંગતા હતી. પીએમ મોદી ખૂબ સારા આદમી છે. તેમને ખબર હતી કે હું નાખુશ છું, મને ખુશ કરવો જરૂરી હતો. અમે તેમના પર ટૂંક સમયમાં ટેરિફ વધારી શકીએ છીએ. ટ્રમ્પે ઓગસ્ટ 2025માં ભારત પર ટેરિફ 50 ટકા કરવા પાછળ રશિયા સાથે ઓઈલ ટ્રેડનું કારણ જણાવ્યું હતું.



