આઉટેજ બાદ એમેઝોનની AWS ક્લાઉડ સર્વિસ ફરી કાર્યરત થઇ; કરોડો યુઝર્સ હેરાન થયા

અમદાવાદ: ગઈ કાલે સોમવારે એમેઝોન વેબ સર્વિસ(AWS)માં આઉટેજ આવતા હજારો વેબસાઇટ્સ ડાઉન થઇ ગઈ હતી. હવે એમેઝોને જાહેરાત કરી છે કે તેમની ક્લાઉડ સર્વિસ સામાન્ય થઈ ગઈ છે. કેટલીક AWS સર્વિસમાં હજુ પણ મેસેજમાં બેકલોગની સમસ્યા થઇ રહી છે, જેને ઠીક કરવામાં હજુ થોડા વધુ કલાકો લાગી શકે છે.
ગઈ કાલે AWS સર્વર્સ પર આધાર રાખતી Venmo, Robinhood Markets inc, Snapchat, Crunchyroll, Roblox, Whatnot, Rainbow Six Siege, Coinbase, Canva, Duolingo, Goodreads, Ring, The New York Times, Life360, Fortnite, Apple TV, Apple Music, Verizon, Chime, McDonald’s App, CollegeBoard, Wordle, PUBG Battlegroundsની સર્વિસ ખોરવાઈ હતી.
એમેઝોનની પોતાની સર્વિસ પણ ખોરવાઈ ગઈ હતી. કેટલાક યુઝર્સને નેટફ્લિક્સ અને ડિઝની એક્સેસ કરવામાં પણ તકલીફ પડી હતી.
આ કારણે સર્જાઈ સમસ્યા:
ગયા વર્ષના ક્રાઉડસ્ટ્રાઇક આઉટેજ બાદ આ બીજો સૌથો મોટો ઇન્ટરનેટ આઉટેજ છે. અહેવાલ મુજબ AWS ના US-EAST-1 તરીકે ઓળખાતા નોર્થ વર્જિનિયા ક્લસ્ટરમાં ખામીને કારણે ઇન્ટરનેટ સર્વિસ ખોરવાઈ ગઈ હતી, પાંચ વર્ષમાં ત્રીજી વખત આવું બન્યું છે.
અહેવાલ મુજબ આ સમસ્યા ડોમેન નેમ સિસ્ટમ(DNS)માં ખામીને કારણે શરુ થઇ હતી. એપ્લિકેશનો AWS ના DynamoDB API માટે યોગ્ય એડ્રેસ મેળવી શકી ન હતી.
સર્વિસ ફરી શરુ:
ઈન્ટરનેટ આઉટેજ પર નજર રાખતી વેબસાઇટ ડાઉનડિટેક્ટરના જણવ્યા મુજબ 2,500 થી વધુ કંપનીઓમાં સમસ્યાઓના 11 મિલિયનથી વધુ યુઝર્સ રીપોર્ટ મળ્યા હતાં.
હવે એમેઝોને જણાવ્યું છે કે, “હવે તમામ AWS સર્વિસ સામાન્ય કામગીરી કરી રહી છે. AWS Config, Redshift અને Connect જેવી કેટલીક સર્વિસમાં મેસેજ બેકલોગની સમસ્યા થઇ રહી છે, જેનો આગામી થોડા કલાકોમાં ઉકેલ લાવવામાં આવશે.”
આ પણ વાંચો…ટ્રમ્પના ટેરિફની અસર, વોલમાર્ટ, એમેઝોન સહિતની કંપનીઓએ ભારતના ઓર્ડર રોક્યા, કેટલું થશે નુકસાન ?