10 વર્ષમાં અમેઝોન ભારતમાં કરશે અધધ… રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાની નવી દિલ્હીમાં મુલાકાત થયાના ગણતરીના કલાકોમાં જ અન્ય એક અમેરિકન ટેક જાયન્ટે ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોન (Amazon) એ બુધવારે જાહેરાત કરી કે તે 2030 સુધીમાં ભારતમાં તેના તમામ વ્યવસાયોમાં $35 અબજથી વધુનું રોકાણ વધારશે.
આ રોકાણ કંપનીના ત્રણ વ્યૂહાત્મક સ્તંભો – AI-આધારિત ડિજિટલાઇઝેશન, નિકાસ વૃદ્ધિ (Export Growth) અને જોબ જનરેશન પર કેન્દ્રિત રહેશે. આ પહેલાં, માઇક્રોસોફ્ટે દેશના ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા માટે ચાર વર્ષમાં $17.5 બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી.
AI અને વેબ સર્વિસીસમાં મજબૂત રોકાણ
એમેઝોનની 2030 સુધીની નવી રોકાણ યોજનાનો મોટો હિસ્સો AI અને વેબ સર્વિસીસને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. આ મહિનાની શરૂઆતમાં જ, એમેઝોને તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ડેટા સેન્ટરના વિસ્તરણ દ્વારા AI અને વેબ સર્વિસીસને મજબૂત કરવા માટે ભારતમાં $12.7 બિલિયનના રોકાણની જાહેરાત કરી હતી.
બુધવારની નવી જાહેરાત સાથે કંપનીનું કુલ રોકાણ $35 બિલિયનથી વધુ થઈ ગયું છે. કંપનીના જણાવ્યા અનુસાર, 2010થી અત્યાર સુધી ભારતમાં તેનું કુલ રોકાણ $40 બિલિયન સુધી પહોંચી ગયું છે, જેમાં કર્મચારીઓને ચૂકવાયેલું મહેનતાણું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો સમાવેશ થાય છે. એમેઝોનનું ઓનલાઈન માર્કેટપ્લેસ બિઝનેસ ભારતમાં 2013માં વ્યાવસાયિક રીતે શરૂ થયો હતો.
2030 સુધીમાં $80 બિલિયન નિકાસનું લક્ષ્ય
નવા રોકાણ સાથે એમેઝોન દેશભરમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને ગતિ આપવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને નવીનતાને ટેકો આપવા માંગે છે. કંપનીએ જણાવ્યું કે આ રોકાણ ભારતના રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ છે અને AI ક્ષમતાઓના વિસ્તરણ, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા, નાના વ્યવસાયોની વૃદ્ધિને ટેકો આપવા અને નોકરીઓનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
એમેઝોનના સિનિયર વીપી (એમર્જિંગ માર્કેટ્સ) અમિત અગ્રવાલે ઇવેન્ટમાં કહ્યું કે કંપનીનું લક્ષ્ય 10 લાખ નવી રોજગારીની તકો ઊભી કરવાનું અને 2030 સુધીમાં ઈ-કોમર્સ નિકાસને $80 બિલિયન સુધી પહોંચાડવાનું છે.
એમેઝોને તેના $80 બિલિયન નિકાસ લક્ષ્યને હાંસલ કરવા માટે “Accelerate Exports” નામની એક નવી પહેલ શરૂ કરી છે. આ એક મેન્યુફેક્ચરિંગ-કેન્દ્રિત પહેલ છે, જે ડિજિટલ ઉદ્યોગસાહસિકોને મેન્યુફેક્ચરર્સ સાથે જોડવા માટે તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત, એમેઝોન ભારતના 10થી વધુ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ, જેમ કે તિરુપ્પુર, કાનપુર અને સુરતમાં ઓન-ગ્રાઉન્ડ ઓનબોર્ડિંગ ડ્રાઇવ્સનું આયોજન કરશે.
કંપનીએ એપેરેલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારીની પણ જાહેરાત કરી છે. રિપોર્ટ મુજબ, એમેઝોને અત્યાર સુધીમાં 1.2 કરોડથી વધુ નાના વ્યવસાયોનું ડિજિટલાઇઝેશન કર્યું છે અને લગભગ 28 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે.



