
શ્રીનગર: ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હાલમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા ખોરવાઈ (Amarnath Yatra landslide) ગઈ છે. ગઈ કાલે બુધવારે સાંજે 7 વાગ્યાના અરસામાં રાયલપથરી અને બ્રારીમાર્ગ વચ્ચે સ્થિત ઝેડ ટર્ન પર ભૂસ્ખલન થયું હતું, જેને કારણે યાત્રાળુઓ રૂટ પર ફસાઈ ગયા. આ યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવા ભારતીય સેના મદદે આવી છે. બ્રારીમાર્ગમાં તૈનાત સૈન્ય ટુકડીએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે, અહેવાલ મુજબ 500થી વધુ યાત્રાળુને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સેનાનાં જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા 500થી વધુ યાત્રાળુઓને આર્મી ટેન્ટમાં ખસેડ્યા છે. જ્યાં તેમને ચા-કોફી અને પીવાનું પાણી આપવા આવી રહ્યું છે. બ્રારીમાર્ગ અને ઝેડ મોર વચ્ચેના લંગરોમાં 3,000 યાત્રાળુઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
એક અહેવાલમાં આપવામાં આવેલી જાણકારી મુજબ સેનાની ક્વિક રિએક્શન ટીમ(QRTs) એ બે ભૂસ્ખલન-સંભવિત ઝોન વચ્ચે ફસાયેલા એક બીમાર યાત્રાળુનું રેસ્ક્યુ કર્યું હતું. અંધારું, ધોધમાર વરસાદ અને જમીન અસ્થિર હોવા છતાં જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બીમાર યાત્રાળુને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યો હતો.
બ્રારીમાર્ગ આર્મી કેમ્પ ડિરેક્ટર અને ભારતીય સેનાના કંપની કમાન્ડર સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. રાયલપથરી અને બ્રારીમાર્ગ બંને જગ્યાએ હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અને ઉભી થતી કોઈપણ પરિસ્થિતિની પહોંચી વળવા સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.