
જમ્મુ : સુરક્ષા દળોની સૂઝબૂઝના પગલે અમરનાથ(Amarnath)યાત્રાથી પરત ફરી રહેલી બસ સાથે મોટી દુર્ઘટના ટળી હતી. આ બસમાં લગભગ 40 લોકો હતા. આ બસ અમરનાથથી હોશિયારપુર જઈ રહી હતી. દરમિયાન નેશનલ હાઈવે 44 પર રામબન પાસે બસે કાબુ ગુમાવ્યો હતો. તેનું કારણ એ હતું કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવર તેને રોકી શક્યો ન હતો. સ્થિતિ એવી બની ગઈ હતી કે બસ ખાડામાં પડી જવાની હતી. આ ડરને કારણે મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે ચાલતી બસમાંથી કૂદવા લાગ્યા હતા. જ્યારે હાઇવે પર તૈનાત સુરક્ષા દળોની નજર પડી, ત્યારે તેઓ અકસ્માતને ટાળવા સક્રિય બન્યા.
જવાનોની મહેનત રંગ લાવી અને બસ અકસ્માતમાંથી બચી
તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાની બૂમો પાડી રહ્યા છે. આ સાથે હાઈવે પર પેટ્રોલિંગમાં તૈનાત સૈનિકો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો સક્રિય થઈ ગયા છે. રોડની આગળ અને પાછળથી કેટલાક સૈનિકો પણ મદદ કરવા દોડે છે. બસના માર્ગમાં પત્થરો મૂકવામાં આવ્યા છે જેથી બસ અટકી જાય અને રસ્તા પરથી નીચે સરકીને ખાડામાં ન પડી જાય. સદનસીબે જવાનોની મહેનત રંગ લાવી અને બસ અકસ્માતમાંથી બચી ગઈ.
અકસ્માતમાં 10 લોકો ઘાયલ
બસમાં સવાર તમામ મુસાફરો પંજાબના હોશિયારપુર જિલ્લાના રહેવાસી હતા. સોશિયલ મીડિયા પર દેખાતા વીડિયોમાં ઘણા મુસાફરો બારીઓ અને દરવાજા પરથી કૂદતા જોવા મળી રહ્યા છે. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે, જેમણે ચાલતી બસમાંથી છલાંગ લગાવી દીધી હતી. આ સિવાય અન્ય તમામ 30 મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી
મુસાફરોએ જણાવ્યું કે બનિહાલ નજીક નચલાના ખાતે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવર તેને રોકવામાં અસમર્થ હતો. આ ઘટનામાં ઘાયલ થયેલાઓમાં 6 પુરૂષ, 3 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ ઘટના જોઈને સૈનિકો અને પોલીસકર્મીઓએ તરત જ કાર્યવાહી કરી અને બસના માર્ગ પર પથ્થર મૂકી દીધા હતા.