અમરનાથ યાત્રાના કાફલાને નડયો વધુ એક અકસ્માત, ડ્રાઈવરને ઈજા ચાર યાત્રાળુઓનો બચાવ…

ઉધમપુર : જમ્મુ કાશ્મીરમાં ભારે ઉત્સાહ અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જોકે, આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં અમરનાથ યાત્રાના કાફલાની એક કાર ડિવાઇડર સાથે અથડાઈ જતાં ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. જ્યારે વાહનમાં મુસાફરી કરી રહેલા ચાર યાત્રાળુઓનો બચાવ થયો છે. અમરનાથ યાત્રામાં છેલ્લા આઠ દિવસમાં યાત્રા દરમિયાન આ ચોથો માર્ગ અકસ્માત છે.
અકસ્માત કેવી રીતે થયો?
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે કારમાં સવાર ચાર લોકો સુરક્ષિત છે. અમરનાથ યાત્રાના કાફલામાં સામેલ કાર હરિયાણાના કરનાલના રહેવાસી શશીકાંત નામના વ્યક્તિ ચલાવી રહ્યા હતા. આ કાર જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચેનાની તહસીલમાં નરસુ ખાતે ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર ચાર યાત્રાળુઓને કોઈ ઈજા થઈ નથી. પ્રારંભિક અહેવાલો મુજબ ડ્રાઇવર ઊંઘી જતા આ અકસ્માત સર્જાયો હતો. તેની વધુ તપાસ ચાલી રહી છે.
ચંદનબારીમાં ઝેડ-ટર્ન નજીક ટેક્સી પલટી હતી
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે જ સોમવારે પહેલગામના ચંદનબારીમાં ઝેડ-ટર્ન નજીક એક વાહન રસ્તા પર પલટી જતાં ગુજરાતના 3 અમરનાથ યાત્રાળુઓ અને એક સ્થાનિક ડ્રાઇવર સહિત ચાર લોકોને થોડી ઇજાઓ થઈ હતી. આ ટેક્સી ચંદનબારી માર્ગ નજીક કાબુ ગુમાવતા અકસ્માતનો ભોગ બની હતી અને રસ્તા પર પલટી ગઈ હતી.
7500થી વધુ યાત્રાળુઓની બીજી બેચ રવાના
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 7500 થી વધુ યાત્રાળુઓની બીજી બેચ સવારે જમ્મુથી દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3880 મીટરની ઊંચાઈ પર સ્થિત અમરનાથ મંદિરના બે બેઝ કેમ્પ માટે રવાના થઈ છે.