
અનંતનાગ, જમ્મુ અને કાશ્મીરઃ ચારધામની યાત્રાને હિંદુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરે વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ચારધામની યાત્રા કરવા માટે જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરનાથ જતા યાત્રાળુઓની રાહનો અંત આવી ગયો છે. આજે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ યાત્રાળુઓના પહેલી ટુકડીને વિદાય આપી છે. આ પહેલા ઉપરાજ્યપાલે જમ્મુ બેઝ કેમ્પ યાત્રી નિવાસમાં પૂજા કરી હતી. આ દરમિયાન શ્રદ્ધાળુઓએ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ઉપરાંત, યાત્રાળુઓ યાત્રાની વ્યવસ્થા જોઈને ખૂબ ખુશ થયા હતા.

સુરક્ષા વ્યવસ્થા જોઈને શ્રદ્ધાળુઓએ ખૂબ જ હળવાશ અનુભવી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી લોકોના મનમાં જે પ્રકારનો ભય હતો તે પણ સુરક્ષા વ્યવસ્થા જોઈને ઓછો થઈ ગયો છે. 22મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ગયા વર્ષની સરખામણીમાં ઓછા શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નોંધણી કરાવી છે. કારણ કે, તેમના મનમાં ક્યાંકને ક્યાંક ડર જોવા મળ્યો છે. જોકે, સુરક્ષા વ્યવસ્થા જોઈને પહેલા જથ્થામાં આવેલા શ્રદ્ધાળુઓ ખૂબ જ હળવાશ અનુભવતા હતા. શ્રદ્ધાળુઓને હવે સુરક્ષા પર પૂર્ણ ભરોસો હોવાનું પણ જાણવા મળ્યું છે, સામે તંત્ર દ્વારા પણ સુરક્ષા માટે એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે.
આ વખતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં સુધારો થયોઃ LG મનોજ સિન્હા
પ્રથમ ટુકડીને વિદાય આપ્યા પછી, LG મનોજ સિન્હાએ વ્યવસ્થા વિશે વાત કરી. તેમણે કહ્યું કે ‘યાત્રાળુઓ માટે, જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર, અમરનાથ શ્રાઇન બોર્ડ અને જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓએ તેમની ફરજો ખૂબ સારી રીતે નિભાવી છે, પાછલી યાત્રાની તુલનામાં, આ વખતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં સુધારો થયો છે. પહેલા ગુફા તરફ જતા બંને માર્ગો 6 ફૂટ પહોળા હતા, પરંતુ આ વખતે તેમને પણ 12 ફૂટ પહોળા કરવામાં આવ્યા છે. પહેલા રૂટ પર અંધારું હતું, હવે ગ્રીડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે.’

અમરનાથની યાત્રા દરમિયાન સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી
અત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથની યાત્રાએ જવા માટે તૈયાર હોવાનુ જાણવા મળ્યું છે. અમરનાથની યાત્રા દરમિયાન સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ પણ શ્રદ્ધાળુએ કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. કારણ કે, આપણાં દેશની સેના પર લોકોને સંપૂર્ણ ભરોસો છે. સુરક્ષા માટે દરેક જગ્યાએ સેનાના જવાનોને ગોઠવી દેવામાં આવ્યાં છે.