અલ્લુ અર્જુનને રાહતઃ સંધ્યા થિયેટર કેસમાં અર્જુનના વચગાળાના જામીન રાખ્યા યથાવત્

હૈદરાબાદઃ તેલુગુ એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે ૧૩ ડિસેમ્બરે ફિલ્મ ‘પુષ્પા ૨’ના પ્રીમિયર દરમિયાન ભાગદોડમાં એક મહિલાના મોતના મામલામાં ધરપકડ કરી હતી. અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ અર્જુનને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
અલ્લુ અર્જુનના વકીલોએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી અને અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા હતા. જે બાદ ૧૪ ડિસેમ્બરે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, આજે કોર્ટે તેના વચગાળાના જામીન યથાવત્ રાખ્યા છે.
રિમાન્ડની સુનાવણી હવે દસમી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. અલ્લુ અર્જુનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને વર્ચ્યુઅલ રીતે સુનાવણીમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો ; Pushpa-2 Stampede Case: અલ્લુ અર્જુન આજે મુખ્ય પ્રધાનને મળશે, આ મુદ્દે થઇ શકે છે ચર્ચા
આ પહેલા અલ્લુ અર્જુનને ૨૩ ડિસેમ્બરે પણ હૈદરાબાદ પોલીસે નોટિસ મોકલી પૂછપરછ માટે બોલાવ્યો હતો. અભિનેતાની લગભગ ૪ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ અંગે અલ્લુ અર્જુને કહ્યું કે તે પોલીસ તપાસમાં સહકાર આપશે.
હૈદરાબાદ પોલીસે મહિલાના પરિવારની ફરિયાદના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ અને ૧૧૮ (૧) હેઠળ અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો છે.