આસામ સરકાર પર આચારસંહિતાના ભંગનો આરોપ, ચૂંટણી પંચને કરી ફરિયાદ
ગુવાહાટીઃ આસામમાં વિપક્ષ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્યની ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારે વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનના ફોટાવાળી સરકારી જાહેરાતોને નહીં હટાવીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા અને ટીએમસીના રાજ્ય પ્રમુખ રિપુન બોરાએ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને અલગ-અલગ પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસે રવિવારે ફરિયાદ નોંધાવી હતી જ્યારે ટીએમસીએ સોમવારે પત્ર મોકલ્યો હતો.
ભૂપેને ભારપૂર્વક જણાવ્યું હતું કે વડા પ્રધાન, મુખ્ય પ્રધાન અને અન્યના ફોટા ધરાવતી જાહેરાતો હોવી એ ચૂંટણીની આચારસંહિતાનો ભંગ છે અને ચૂંટણી પંચને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી.
રિપુન બોરાએ સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનના ફોટા ધરાવતા સરકારી જાહેરાતોના ઘણા હોર્ડિંગ્સ તરફ ધ્યાન દોર્યું અને સીઇસીને વિનંતી કરી કે તેઓ રાજ્ય સરકારને તાત્કાલિક દૂર કરવા નિર્દેશ આપે.
16 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આસામમાં લોકસભાની 14 બેઠક માટે ત્રણ તબક્કામાં 19 એપ્રિલ, 26 એપ્રિલ અને 7 મેના રોજ ચૂંટણી યોજાશે.