
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં રેપ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે જો કોઈ કારણસર લગ્નનો ઈન્કાર કરવામાં આવે તો પણ લાંબા ગાળાના પ્રેમ પ્રકરણ દરમિયાન બનેલા શારીરિક સંબંધોને બળાત્કાર ગણી શકાય નહીં. જસ્ટિસ અનીશ કુમાર ગુપ્તાની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો હતો. આ નિર્ણય સાથે કોર્ટે બળાત્કારના આરોપી પ્રેમી વિરુદ્ધ નીચલી કોર્ટમાં ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી છે. આ સાથે જ બળાત્કારના આરોપી ઝિયાઉલ્લાહ વતી નીચલી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને પડકારતી અરજી સ્વીકારવામાં આવી હતી.
કેસની વિગત મુજબ એક યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ સંત કબીર નગરના મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. પોતાનું નિવેદન નોંધાવતી વખતે યુવતીએ કહ્યું હતું કે તે યુવકને 2008માં તેની બહેનના લગ્ન દરમિયાન ગોરખપુરમાં મળી હતી. તેના પરિવારની સંમતિથી તેનો પ્રેમી તેને મળવા ગોરખપુર સ્થિત તેના ઘરે આવવા લાગ્યો હતો. આ દરમિયાન 2013માં બંને વચ્ચે શારીરિક સંબંધો શરૂ થયા હતા.
યુવતીનો આરોપ છે કે તેના પરિવારના સભ્યોએ તેના બોયફ્રેન્ડને બિઝનેસ માટે સાઉદી અરેબિયા પણ મોકલ્યો હતો, જ્યાંથી પરત આવ્યા બાદ તેણે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. જે બાદ પ્રેમિકા દ્વારા રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ મામલે અરજદાર ઝિયાઉલ્લાહના વકીલે દલીલ કરી હતી કે પીડિત છોકરી શારીરિક સંબંધ બાંધતી વખતે પુખ્ત હતી અને તેણે પોતાની મરજીથી સંબંધ બાંધ્યા હતા. લગ્ન માટે ના પાડવાને કારણે પીડિતાએ ખોટો કેસ કર્યો છે. કોર્ટે અરજદારની દલીલો અને પીડિતાના નિવેદનના આધારે બંને પક્ષોને સાંભળ્યા હતા. સમગ્ર મામલાની સુનાવણી કર્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટે અરજદાર ઝિયાઉલ્લાહ વિરુદ્ધ દાખલ કરાયેલ પોલીસ ચાર્જશીટને રદ કરી દીધી હતી.