નેશનલ

સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ બહેરીનમાં: આતંકવાદ મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

મનામાઃ એક સર્વપક્ષી ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળે આજે બહેરીનના નાયબ વડા પ્રધાન શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી તેમ જ ભારત સામે સરહદ પારના આતંકવાદનો પડકાર અને તેનો સામનો કરવા માટે નવી દિલ્હીના દ્રઢ સંકલ્પ વિશે માહિતી આપી હતી.

ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ બૈજયંત જય પાંડાના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ તે સાત સર્વપક્ષી પ્રતિનિધિમંડળો પૈકીનું એક છે કે જેને ભારતે પાકિસ્તાનના કાવતરાઓ અને આતંકવાદ સામે ભારતના પ્રતિભાવ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાય સુધી પહોંચવા માટે ૩૩ વૈશ્વિક રાજધાનીઓની મુલાકાત લેવાનું કામ સોંપ્યું છે.

આ પણ વાંચો: આતંકવાદ સામે ભારતનું વૈશ્વિક અભિયાન: સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનને ખુલ્લું પાડશે

પાંડાએ એક્સ પર જણાવ્યું કે ભારત અને બહેરીન વચ્ચે વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને પરસ્પર આદર પર આધારિત એક ઊંડી, ઐતિહાસિક મિત્રતા છે. આતંકવાદ સામેની લડાઇમાં અમે પરસ્પર હિતના મુદ્દાઓ અને આતંકવાદના તમામ સ્વરૂપોનો સામનો કરવા માટે ભારતની અડગ પ્રતિબદ્ધતા પર ચર્ચા કરી હતી. આ બેઠક રાજધાની મનામાના ગુડૈબિયા પેલેસમાં યોજાઇ હતી.

બહેરીનમાં ભારતીય દૂતાવાસ તરફથી એક પોસ્ટમાં જણાવાયું હતું કે બહુપક્ષી સાંસદોએ બહેરીનના વિધાનસભાના ઉપલા ગૃહ શૂરા બહેરીનના અધ્યક્ષ અલી બિન સાલેહ અલ સાલેહ સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ આતંકવાદ સામે લડવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના ભારતના સંકલ્પ પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: વિદેશ મંત્રાલયે સંસદીય સમિતિને જણાવ્યું પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવા માટેનું કારણ

પ્રતિનિધિમંડળે મનામામાં એક ઐતિહાસિક સ્થળ બાબ અલ બહેરીનની પણ મુલાકાત લીધી હતી. જેને પાંડાએ બહેરીનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભારત સાથેના સ્થાયી સંબંધોનું પ્રતીક ગણાવ્યું હતું. આ પ્રતિનિધિમંડળ શનિવારે બે દિવસની મુલાકાતે અહીં પહોંચ્યું હતું. મુલાકાત દરમિયાન તેઓ અગ્રણી ભારતીયો અને નાગરિક સમાજના સભ્યોને પણ મળ્યા હતા.

તેમણે બેઠક દરમિયાન જણાવ્યું કે અમે અહીં મુશ્કેલ સમયમાં આવ્યા છીએ… આ મુશ્કેલી પહલગામમાં તાજેતરના આતંકવાદી હુમલા અને ત્યારબાદ પાકિસ્તાન સાથેની દુશ્મનાવટને કારણે છે. અમે અહીં મિત્રતા માટે સમર્થન મેળવવા આવ્યા છીએ.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં કરી આ મોટી વાત

૨૬ લોકોને તેમની પત્ની સામે જ તેમના ધર્મની પુષ્ટિ કર્યા પછી મારી નાખવામાં આવ્યા હતા. ભારતે આવા ઘણા ભયાનક આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે…અમારી સમસ્યા એ છે કે અમારા બધા આતંકવાદી હુમલાઓ અમારા પડોશી દ્વારા સંકલિત કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે બહેરીન અને ભારત વચ્ચે ગાઢ અને લાંબા સમયથી ચાલતા સંબંધો છે…હું બહેરીન સરકારનો તેના દ્વારા અપનાવવામાં આવેલા સતત વલણ બદલ આભાર માનું છું. અમે તાજેતરના ઘટનાક્રમ દરમિયાન બહેરીનની આકરી ટીપ્પણીઓની ખરેખર પ્રશંસા કરીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button