‘UCC સ્વીકાર્ય નથી’, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાનની જરૂરિયાત પર ભાર મુખ્યો હતો. વડા પ્રધાને હાલના સિવિલ કોડને સાંપ્રદાયિક ગણાવ્યું હતું, અને બિનસાંપ્રદાયિક કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી. એવામાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ(AIMPLB)એ UCCને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. AIMPLBએ શનિવારે જણાવ્યું હતું કે મુસ્લિમોને સમાન અથવા બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા સ્વીકાર્ય નથી કારણ કે તેઓ શરિયા કાયદા સાથે સમાધાન કરશે નહીં.
એક પ્રેસ નોટમાં AIMPLB, જણાવ્યું હતું કે, ” સ્વતંત્રતા દિવસના અવસર પર UCCને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા અને ધાર્મિક અંગત કાયદાઓને સાંપ્રદાયિક તરીકે ગણાવવાના વડાપ્રધાનના આહ્વાનને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અત્યંત વાંધાજનક ગણે છે.”
15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે “સમાજનો એક મોટો વર્ગ માને છે કે વર્તમાન નાગરિક સંહિતા એક રીતે સાંપ્રદાયિક સિવિલ કોડ છે. આ નાગરિક સંહિતા ભેદભાવને પ્રોત્સાહન આપે છે. તે દેશને ધાર્મિક રેખાઓમાં વિભાજિત કરે છે અને અસમાનતાને પ્રોત્સાહન આપે છે.”
AIMPLB કહ્યું કે તેઓ શરિયા કાયદાથી સમાધાન નહીં કરે. તેમના પ્રવક્તા ડૉ. એસક્યુઆર ઇલ્યાસે એક અખબારી નિવેદનમાં, શરિયા, સાંપ્રદાયિક કાયદા જેવા પર્સનલ કાયદાઓને ધર્મ પર આધારિત કહેવાની પીએમ મોદીની જાહેરાત પર આઘાત વ્યક્ત કર્યો હતો.
AIMPLB અનુસાર, ભારતમાં મુસ્લિમોને તેમના ધર્મ મુજબ કાયદાઓનું પાલન કરવાનો અધિકાર છે. શરિયત એપ્લિકેશન એક્ટ, 1937 અને ભારતના બંધારણમાં આ આધિકાર આપવામાં આવ્યો છે. બંધારણના અનુચ્છેદ 25 માં, નાગરિકોને ધર્મનો ઉપદેશ, પ્રચાર અને પાલન કરવાનો અને તેના કાયદાઓનું પાલન કરવાનો મૂળભૂત અધિકાર છે.
એક અખબારી યાદીમાં, ડૉ ઇલ્યાસે ઉમેર્યું હતું કે મુસ્લિમો સિવાય અન્ય સમુદાયોના પારિવારિક કાયદાઓ પણ તેમની પોતાની ધાર્મિક અને પ્રાચીન પરંપરાઓ પર આધારિત છે. AIMPLBના પ્રવક્તાના જણાવ્યા મુજબ ધાર્મિક કાયદાઓથી અલગ થવું એ પશ્ચિમનું અનુકરણ છે.
તેમણે કહ્યું કે વડા પ્રધાન ઇરાદાપૂર્વક લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેઓ શરિયા કાયદાને નિશાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને દેશમાં વર્ગ, જાતિ અને જનજાતિ પરના પ્રભાવ વિશે વિચાર નથી કરી રહ્યા.
અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે, “ડૉ. ઇલ્યાસ 15 ઑગસ્ટના અવસરે રાષ્ટ્રના નાગરિકોને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સિદ્ધિઓ તથા આઝાદ, સમૃદ્ધ, ન્યાયી અને શાંતિપૂર્ણ ભારતના સ્વપ્નને યાદ રાખવા આહ્વાન કરે છે. સમાજમાં વડા પ્રધાન દ્વારા ઉભા કરવામાં આવેલા ધાર્મિક દ્વેષ અને દુશ્મનાવટથી ભરેલા ધ્રુવીકરણના માહોલથી દુર રહેવા સૌને અપીલ છે.”