નેશનલ

નેશનલ કન્ઝ્યુમર કમિશનની તમામ સુનાવણી ૧૫મી એપ્રિલથી ઓનલાઈન

મુંબઈ: નેશનલ કન્ઝ્યુમર કમિશન (એનસીસી)ની તમામ સુનાવણી આગામી સોમવારથી ઓનલાઈન કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે હવે ફરિયાદી કે પછી પ્રતિવાદીએ સુનાવણીમાં હાજર રહેવા માટે દિલ્હી જવાની જરૂર નહીં રહે. મુંબઈ કન્ઝ્યુમર પંચાયતે છેલ્લા દોઢ વર્ષથી કરેલી માગણીને આખરે સફળતા મળી હતી.

એનસીસીની દિલ્હીમાં કન્ઝ્યુમર ભવનમાં સાત ખંડપીઠ છે. આ તમામ ખંડપીઠ સમક્ષ દરરોજ સુનાવણી થતી હોય છે. આ સુનાવણી માટે ફરિયાદી અને પ્રતિવાદીએ પ્રત્યક્ષ કે પછી ઓનલાઈન હાજર રહેવું પડશે. કોરોના કાળમાં એનસીસીએ ઓનલાઈન સુનાવણી શરૂ કરી હતી. એ સમયે પણ ફરિયાદોનો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

જોકે તેમ છતાં ઓનલાઈન સુનાવણીને બંધ કરી નાખવામાં આવી હતી. ઓનલાઈન સુનાવણી ફરી શરૂ કરવામાં આવે એ માટે મુંબઈ ક્ધઝ્યુમર પંચાયતે કમિશનને પત્ર લખ્યો હતો. આ ઉપરાંત કમિશનના અધ્યક્ષ પાસે અનેક વાર માગ પણ કરી હતી. દિલ્હીમાં પ્રદૂષણનો વધારો થયો એ સમયે પણ આ માગણી ફરી વાર કરવામાં આવી હતી. જોકે આ અંગે કોઇ નિર્ણય લેવામાં આવી નહોતો રહ્યો.

આપણ વાંચો: પેપર બેગ માટે વિક્રેતાએ 7 રૂપિયા વસૂલ્યા, ગ્રાહક પંચે 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો

કમિશનના અધ્યક્ષપદે નવા આવેલા અધ્યક્ષ અમરેશ્ર્વર પ્રતાપ સાહી સમક્ષ પણ આ માગ કરવામાં આવી હતી. આખરે તેમણે આ માગણીને માન્ય કરી છે. શરૂઆતમાં એક ખંડપીઠમાં આ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેને સફળતા મળ્યા બાદ હવે તમામ ખંડપીઠ સમક્ષ આ વ્યવસ્થા કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે ઈ-કોર્ટનો આગ્રહ સેવ્યો છે. આ અંગે કોર્ટે નિયમાવલી પણ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં થોડા પ્રમાણમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે. મહારેરામાં પણ અમુક સુનાવણીઓ ઓનલાઈન હાથ ધરાય છે અને હવે એનસીસીએ પણ ઓનલાઈન સુનાવણી હાથ ધરવાની પહેલ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button