ભીડ ભેગી કરવા સાડી અને કૉંગ્રેસની ટોપી વહેંચી: અલકા લાંબાનો વીડિયો વાયરલ, યુઝર્સે કર્યા ટ્રોલ

પટના: ચૂંટણી પંચ પર વોટ ચોરીના આરોપ લગાવીને રાહુલ ગાંધીએ બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરી હતી. આ યાત્રામાં બિહારના ઘણા નેતાઓ રાહુલ ગાંધી સાથે જોડાયા હતા. કૉંગ્રેસના મહિલા અધ્યક્ષ અલકા લાંબા પણ રાહુલ ગાંધી સાથે આ યાત્રામાં મદદ કરી રહ્યા છે. જોકે, તેઓ પોતાના એક વીડિયોને લઈને ચર્ચાનું કારણ બન્યા છે.
વાયરલ વીડિયોમાં શું છે?
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં અલકા લાંબા મહિલાઓને સાડી તથા કૉંગ્રેસની ટોપી વિતરણ કરતી દેખાઈ રહી છે. આ સાથે અલકા લાંબા બોલી રહી છે કે, જો તમે આ ટોપી પહેરી લેશો તો રાહુલજી પોતાનો કાફલો રોકી દેશે.
આ ઉપરાંત અલકા લાંબા કેટલીક મહિલાઓને કૉંગ્રેસના ઝંડા આપી રહી છે. આ સાથે તે કહી રહી છે કે, જ્યારે રાહુલ ગાંધી અહીંથી પસાર થાય ત્યારે આ ઝંડો લહેરાવજો, તેનાથી તેમનો કાફલો અહીં રોકાઈ જશે.
ભીડ ભેગી કરવાનો જુગાડ
હવે સોશિયલ મીડિયા પર અલકા લાંબાનો આ વીડિયો ચર્ચાનો વિષય બની ગયો છે. કેટલાક લોકો તો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, ભીડ ભેગી કરવા માટેનો આ નવો જુગાડ શોધવામાં આવ્યો છે. જોકે, આ વાયરલ વીડિયોને લઈને અલકા લાંબા તરફ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાહુલ ગાંધીની યાત્રામાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે.