નેશનલ

અલીગઢના સાસુ જમાઈને સાથે જ રહેવું છે પરંતુ છુટાછેડા વિના બીજા લગ્ન કેવી રીતે થશે? વાંચો અહેવાલ

અલીગઢ: ઉત્તર પ્રદેશમાં અનેક ઘટનાઓ એવી બને છે જે ચોંકાવનારી હોય છે. થોડા દિવસ પહેલા અલીગઢમાં જમાઈ અને સાસુ ભાગી ગયાં હતાં. જો કે, પોલીસે તેમને પકડ્યા હતા. પરંતુ મહત્વની વાત એ છે કે, પોલીસે આ સાસુ અને જમાઈને છોડી મુક્યા છે અને હવે તે બન્ને સાથે રહેવાના છે. પોલીસે આ બન્ને લોકોની પુછપરછ કરી હતી. આ દરમિયાન બન્નેનું એક જ રટણ હતું કે બન્ને સાથે જ રહેવા માંગે છે. સાસુ પણ પોતાના ઘરે જવા માંગતી નથી. એટલું જ નહીં પરંતુ જમાઈ રાહુલને પણ તેના ઘરેથી કાઢી મુકવામાં આવ્યો હતો.

છુટાછેડા થયા વગર કોર્ટે કેવી રીતે બીજા લગ્નની પરવાનગી આપી?

રાહુલે મીડિયાને કહ્યું કે, અમે પહેલા જ લગ્ન કરી લીધા છે, જ્યારે લગ્ન વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કોર્ટ મેરેજ કર્યો હોવાનું કહ્યું હતું. પરંતુ સવાલ એ થાય છે કે, પહેલા લગ્નના છુટાછેડા થયા વગર કોર્ટે કેવી રીતે બીજા લગ્નની પરવાનગી આપી? જો કે, આ સવાલ મુદ્દે રાહુલે કહ્યું કે મારે આમાં કોઈ બોલવું નથી! જ્યારે સાસુ અપના દેવીને મીડિયાએ સવાલો કર્યો ત્યારે તે મીડિયા પર ભડકી ગઈ અને મોબાઈલ તોડી પાડવાની ધમકી આપી હતી. જો કે, આ પહેલા અપના દેવીએ કહ્યું હતું કે, તે રાહુલને પોતાનો પતિ માને છે. તે હવે પતિ જિતેન્દ્ર પાસે જવા માંગતી નથી.

હું માત્ર 200 રૂપિયા લઈને જ ગઈ હતી: અપના દેવી

અપના દેવીએ પોતાના પર લાગેલા ચોરીના આરોપને ખોટો કહ્યો છે. કહ્યું કે તે ઘરેથી રૂપિયા કે દાગીના લઈને નથી આવી, માત્ર 200 રૂપિયા લઈને રાહુલ સાથે ગઈ હોવાનું મીડિયાને જણાવ્યું હતું. આ મામલે જ પતિ જિતેન્દ્રએ કહ્યું કે, બાળકોના ભવિષ્ય માટે તે છુટાછેડા આપશે નહીં. બાળકો હજી નાના છે અને તેમને માતાની જરૂર છે. હું એકલો કેવી રીતે બાળકોને સંભાળું? સામે અપના દેવીએ પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. અપના દેવીએ પતિ પર એવો પણ આરો લગાવ્યો હતો તે જિતેન્દ્ર માત્ર 1500 રૂપિયા ઘર ખર્ચ માટે આપતો અને તેનો પણ હિસાબ માંગતો હતો. જો કે, જિતેન્દ્રએ આ આરોપને ખોટો કહ્યો હતો.

શું કાયદો સાસુ-જમાઈને લગ્ન કરવાની મંજૂરી આપશે?

અપના દેવીઓએ કહ્યું તેના પતિએ જ રાહુલ સાથે ભાગી જવા માટે કહ્યું હતું. જ્યારે તે રાહુલ સાથે વાત કરતી ત્યારે પતિ ઝઘડો કરતો હતો. પતિ જિતેન્દ્ર અને દીકરી સાથે મળીને રાહુલ સાથે ખોટું નામ જોડતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો કે, આ આરોપોને જિતેન્દ્રેએ નિરાધાર ગણાવ્યાં છે. હવે પ્રશ્ન એ થાય છે કે, શું કાયદો તેમને સાથે રહેવાની મંજૂરી આપશે? કારણ કે જિતેન્દ્રએ તો અપના દેવીને છુટાછેડા આપવાની ના પાડી દીધી છે, જ્યારે અપના દેવી અને રાહુલ બન્ને લગ્ન કરવાની વાત કરીને સાથે રહેવાની વાત કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button