
અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને 9 આતંકી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો છે. જોકે, તેની બાદ ભારતે પાકિસ્તાન સાથે અડીને આવેલી સરહદોની સુરક્ષા પણ વધારી દીધી છે.
ઇન્ડો- પાક બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી
જેના પગલે ગુજરાતની કચ્છ જિલ્લાની ઇન્ડો- પાક બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ કચ્છ જિલ્લાના ભુજ એરપોર્ટને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ અને જામનગર એરપોર્ટને અચોક્કસ મુદ્દત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું.ઓપરેશન સિંદૂર બાદ રાજકોટ-ભુજ અને જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ હુમલાથી ગુજરાતના એરફોર્સ બેઝ અને સરહદ પર સૈન્ય એલર્ટ થઈ ગયું છે.
ગુજરાતમાં આજે મોક ડ્રિલનું આયોજન
આ ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આજે 7 મે 2025ના રોજ સમગ્ર દેશમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ નું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત આજે રાજ્યમાં સુરત, વડોદરા, અમદાવાદ, જામનગર, કચ્છ, ભાવનગર, ગાંધીનગર, ભરૂચ, દ્વારકા, ડાંગ, મહેસાણા, નર્મદા, નવસારી, બનાસકાંઠા, પાટણ, મોરબી સહિતના જિલ્લાઓમાં મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું છે.
યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને માહિતગાર કરાશે
આ ડ્રિલ હેઠળ નાગરિકોને યુદ્ધની સંભવિત સ્થિતિમાં હવાઈ હુમલા અંગે ચેતવણી આપતી સાયરન વાગે ત્યારે લેવાના પગલા અને સ્વબચાવ સંબંધિત તાલીમ સહિતની યુદ્ધની સ્થિતિમાં ધ્યાન રાખવા અંગેની બાબતો અંગે માહિતગાર કરવામાં આવશે.
આ પણ વાંચો…ઓપરેશન સિંદુરઃ ભારતના ‘નાપાક’ પરના હુમલામાં 30 લોકોના મોત