આ દેશમાં અલ-કાયદા અને ISISનો આતંક: 5 ભારતીય નાગરિકોને બંદી બનાવાયા

બમાકો: પશ્ચિમ આફ્રીકાના દેશ માલીમાં જેહાદી તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે. અલ-કાયદા અને આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનોથી જોડાયેલા જૂથોએ અહી આતંકની હદો પાર કરી દીધી છે. અહેવાલો અનુસાર આતંકી સંગઠનોએ પાંચ જેટલા ભારતીય નાગરિકોનું અપહરણ કરી લીધું હતું. માલી સુરક્ષાદળોના જણાવ્યા અનુસાર, હથિયારધારી આતંકવાદીઓએ પાંચ જેટલા ભારતીયોનું અપહરણ કરી લીધું છે કે જેઓ ઇલેક્ટ્રીફિકેશનની કંપનીમાં કામ કરતાં હતા.
આતંકીઓના ડરના કારણે કંપનીના અન્ય કર્મચારીઓને રાજધાની બામાકોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કોઇપણ સંગઠને અપહરણની જવાબદારી સ્વીકારી નથી. આર્થિક સંકટની સામે જજૂમી રહેલા માલીમાં હાલ સૈન્ય શાસન છે. અલ કાયદા અને આઈએસઆઇએસના કારણે અહિયાં આતંકી ઘટનાઓ ઘટિત થતી રહે છે. કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો અને આતંકવાદીઓએ અહીં ફ્યુઅલ નાકાબંધી લાદી છે.
માલીમાં વિદેશીઓને નિશાન બનાવવા એ સામાન્ય બાબત છે. કટ્ટરપંથી જૂથો ઘણીવાર વિદેશીઓને મારી નાખે છે અથવા તેમનું અપહરણ કરે છે. 2012 માં બળવો થયો હતો, અને ત્યારથી શાંતિ ભાગ્યે જ જોવા મળી છે. ગયા મહિને જ, આતંકવાદીઓએ બે યુએઇ અને એક ઈરાની નાગરિકનું અપહરણ કર્યું હતું. 50 મિલિયન ડોલરની ખંડણી ચૂકવ્યા પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
માલીમાં, આતંકવાદી અને જેહાદી જૂથો વારંવાર ખંડણી માટે લોકોનું અપહરણ કરે છે. તેઓ વિદેશી ઇજનેરો અને કર્મચારીઓને નિશાન બનાવે છે અને પછી કંપનીઓ પાસેથી મોટી રકમની માંગણી કરે છે. JNIM ના આતંકવાદીઓ આ જ કરી રહ્યા છે. માલીમાં આ આતંકવાદી પ્રવૃત્તિઓએ વિદેશી કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કર્યો છે.



