નેશનલ

EDએ કરી અલ ફલાહ ગ્રુપના ફાઉન્ડરની ધરપકડ, 415 કરોડના ગેરકાયદે આવકનો પર્દાફાશ

નવી દિલ્હી: દેશમાં શિક્ષણના નામે ચાલતા મોટા કૌભાંડમાં અલ-ફલાહ ગ્રુપના ચેરમેન અને ફાઉન્ડર જાવેદ અહમદ સિદ્દીકીની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની લાંબી તપાસ બાદ મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવી છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે યુનિવર્સિટીએ ખોટા એક્રેડિટેશન અને વિદ્યાર્થીઓને છેતરીને ₹415 કરોડ કરતાં વધુનું ભંડોળ આચર્યુ છે, જેને એજન્સીએ ‘પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ’ એટલે કે ગુના દ્વારા મેળવેલી રકમ ગણી છે. આ પ્રારંભિક આંકડો છે અને તપાસ એજન્સીનું માનવું છે કે જાવેદ અહમદ સિદ્દીકી પાસે અન્ય ગેરકાયદેસર સંપત્તિઓ અને રકમ હોઈ શકે છે, જેની તપાસ ચાલી રહી છે.

તપાસ એજન્સી EDએ મંગળવારે રાત્રે જ જાવેદ અહમદ સિદ્દીકીને દિલ્હીની એક વિશેષ PMLA (Prevention of Money Laundering Act) કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને 1 ડિસેમ્બર સુધી 13 દિવસ માટે EDની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. કસ્ટડી દરમિયાન તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. EDનો મુખ્ય આરોપ છે કે 2018 થી 2024 ની વચ્ચે અલ-ફલાહ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને છેતરીને અને NAACના નકલી એક્રેડિટેશન (Fake Accreditation) દર્શાવીને ₹415 કરોડથી વધુની રકમ એકઠી કરી છે. EDનું કહેવું છે કે આટલી મોટી રકમ યુનિવર્સિટીની ફી અને અન્ય શુલ્કમાંથી મળી છે, જેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

EDએ કોર્ટને જણાવ્યું હતું કે યુનિવર્સિટીના તમામ નાણાકીય નિર્ણયોના સંપૂર્ણ પ્રભારી જાવેદ અહમદ સિદ્દીકી જ હતા. તેણે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ભારે ફીની રકમને યુનિવર્સિટીના કાયદેસરના કામો સિવાય અન્ય હેતુઓમાં ઉપયોગ કર્યો છે. આ પૈસા ક્યાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે, તેની ગહન તપાસ ચાલી રહી છે. આ કૌભાંડ સૌપ્રથમ ત્યારે બહાર આવ્યું જ્યારે યુનિવર્સિટીએ NAAC તરફથી નકલી ગ્રેડિંગ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું. યુનિવર્સિટીએ NAACને જે દસ્તાવેજો આપ્યા હતા તે નકલી હતા. આ નકલી એક્રેડિટેશનના આધારે યુનિવર્સિટીએ હજારો વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી વસૂલી અને એડમિશન આપ્યા. આ સમગ્ર પ્રકરણથી હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં મુકાઈ ગઈ છે, કારણ કે તેમની ડિગ્રીની માન્યતા પર હવે સવાલ ઊભા થયા છે.

EDએ PMLA હેઠળ કેસ દાખલ કર્યો તે પહેલાં, ફરીદાબાદ પોલીસે આ મામલે પહેલેથી જ FIR નંબર 337/2023 દાખલ કરી હતી. આ FIRમાં અલ-ફલાહ યુનિવર્સિટી સામે ધમકી, છેતરપિંડી, બનાવટ અને ગુનાહિત ષડયંત્ર સહિત IPCની વિવિધ કલમો હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા. EDએ આ જ મૂળ FIRને આધારે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી અને મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામે જાવેદ અહમદ સિદ્દીકીની ધરપકડ થઈ છે.

આપણ વાંચો:  PM મોદીની તુલના નરકાસુર સાથે કરાતા તમિલનાડુમાં રાજકીય હંગામો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button