અખિલેશ યાદવની સુરક્ષામાં ભંગ: કાર્યકર્તા સુરક્ષા ઘેરો તોડીને મંચ પાસે ધસી ગયો, જાણો સમગ્ર મામલો શું છે?

આઝમગઢ: સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવની સુરક્ષામાં આજે મોટી ચૂક થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક સભા દરમિયાન એક કાર્યકરે સુરક્ષા ઘેરો તોડીને અખિલેશ યાદવના મંચ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના પછી નેતાઓની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે.
આઝમગઢમાં આજે અખિલેશ યાદવ એક જાહેર સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક સમાજવાદી પાર્ટીનો કાર્યકર્તા સુરક્ષા ઘેરો તોડીને મંચ તરફ આગળ વધ્યો. જોકે, અખિલેશ તે સમયે મંચ પર હાજર નહોતા. સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક રોકીને મંચ સુધી પહોંચતા અટકાવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેમાં કાર્યકર્તા સુરક્ષા ઘેરો તોડીને મંચ નજીક પહોંચતો જોવા મળે છે. વીડિયોમાં તે પોલીસ સામે અખિલેશ યાદવને મળવાની જીદ કરતો દેખાય છે. જ્યારે પોલીસે તેને રોકતા તે મંચ સામે જમીન પર સૂઈ ગયો હતો, ત્યાર બાદ પોલીસે તેની અટકાયત પણ કરી અને ઘટનાસ્થળેથી ખસેડી લીધો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સમાજવાદી પાર્ટીનો કાર્યકર્તા છે. તેનો હેતુ અખિલેશને મળવાનો હતો. આ ઘટનાએ અખિલેશ યાદવની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. કારણ કે આવી ઘટનાઓ રાજકીય નેતાઓની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની શકે છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને સુરક્ષા વધારવાની વાત કરવામાં આવી રહી છે.