મધ્યપ્રદેશમાં આર યા પારના મૂડમાં અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટી 50થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે
વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઇન્ડિયામાં તિરાડો વધી રહી છે અને હવે તે ખાઇનું રૂપ લેવા માંડી છે. સપા પ્રમુખ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે, તેથી સપા હવે મધ્યપ્રદેશમાં પૂરા ઉત્સાહ સાથે ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં, જે પાર્ટીએ છ બેઠકો પર ચૂંટણી લડવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, તે હવે 50થી વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવા જઈ રહી છે. દરમિયાન, સપા વચ્ચે વધેલી કડવાશને કારણે કોંગ્રેસના નેતાઓએ પણ તેના ફાયદા અને ગેરફાયદાનું ગણિત માંડવાનું કરવાનું શરૂ કરી દીધું છે.
સપાના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીના જણાવ્યા અનુસાર, માત્ર સપા જ ભાજપને ટક્કર આપી શકે છે. તેથી હવે સપા મધ્યપ્રદેશમાં 50 થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. 33 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને બાકીની બેઠકો માટે મંથન ચાલી રહ્યું છે. યાદી પર આજે સર્વસંમતિ સધાય તેવી શક્યતાઓ છે. બાકીના ઉમેદવારોના નામ પણ એક-બે દિવસમાં જાહેર કરવામાં આવશે.
સપા એવા ઉમેદવારોને ટિકિટ આપવા માગે છે, જેમનો બહોળો જનાધાર હોય. પાર્ટી ભાજપ અને કોંગ્રેસના નારાજ નેતાઓ પર પણ નજર રાખી રહી છે. સપા આ નેતાઓને ટિકિટ આપીને ચૂંટણી લડવાના મૂડમાં છે. મધ્યપ્રદેશમાં આજથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને 30 ઓક્ટોબર સુધી ચાલશે. આ સમય દરમિયાન ચૂંટણીમાં સીટ મુજબ અનેક સમીકરણો બદલાતા જોવા મળશે.